ગીર સોમનાથના મોરાસા ગામમાં ત્રણ વર્ષની બાળકીનો દીપડાએ કર્યો શિકાર

ગીર સોમનાથઃ ગીર સોમનાથના સુત્રાપાડા તુલાકાના મોરાસા ગામમાં એક માનવભક્ષી દીપડાએ ત્રણ વર્ષની દીકરીનો શિકાર કર્યો હોવાની ઘટના બની હતી. ઘટનાની વાત કરવામાં આવે તો, આ દીકરી તેના ઘરની બહાર હાથ ધોવા માટે ગઈ હતી અને તે સમયે દીપડો આવ્યો અને બોચીમાં ઝાલીને લઈ ગયો હતો.
આ દીકરીના આજે સવારે લોહી વાળા કપડા અને મૃતદેહના અવેશેષો મળી આવ્યાં હતાં. આ સમગ્ર ઘટનાને લઈને પરિવારમાં ભારે શોકનો માહોલ છવાયો હતો.
આપણ વાંચો: શોકિંગઃ ગીરગઢડાનાં ફરેડા ગામમાં દીપડાએ વૃદ્ધાને ફાડી ખાધા
માનવભક્ષી દીપડાને લઈને પંથકમાં ભયનો માહોલ
માનવભક્ષી દીપડાને લઈને પંથકમાં ભયનો માહોલ પણ છવાયો હતો. ઘટના રવિવારે રાત્રે નવ વાગ્યાની આસપાસ બનાવી હતી અને દીકરીના મૃતદેહના આવશેષો આજે સવારે સાત વાગ્યાની આસપાસ મળી આવ્યાં હતા. નોંધનીય છે કે, ખેતી કામ કરતા રમેશભાઈ પાલાભાઈ ચાવડાની ત્રણ વર્ષની દીકરી કુંદના ઘરની બહાર ફળિયામાં હાથ ધોવા ગઈ હતી.
તે સમયે પરિવારના સભ્યો ઘરમાં જમી રહ્યા હતા. અચાનક જ દીપડો આવ્યો અને બાળકીને ઉઠાવીને લઈ ગયો હતો. પરિવાર બાળકીને બચાવવા માટે દીપડા પાછળ દોડ્યાં હતાં પરંતુ કઈ ફાયદો થયો નહોતો!
આપણ વાંચો: Surat: દીપડાને પણ મળી આજીવન કેદની સજા!
મોરાસા ગામના વોકળામાંથી દીકરીનો મૃતદેહ મળી આવ્યો
પરિવારે રાત્રે 11 વાગ્યાની આસપાસ વન વિભાગને જાણ કરી હતી, જેથી વન વિભાગ દ્વારા પણ દીકરીની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. વન વિભાગ અને સ્થાનિકો દ્વારા આખી રાત શોધખોળ કર્યા બાદ આજે સવારે સાત વાગ્યે મોરાસા ગામના વોકળામાંથી દીકરીનો મૃતદેહ મળી આવ્યો હતો.
વન વિભાગ દ્વારા અત્યારે માનવભક્ષી દીપડાને પકડવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી હતી. વન વિભાગ દ્વારા માનવ વિસ્તારમાં આવેલા દીપડાઓને પકડવા માટે કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. પરંતુ ગીર સોમનાથમાં એક માનવભક્ષી દીપડાએ એક દીકરીનો શિકાર કર્યો તેને લઈને સમગ્ર પંથકમાં અત્યારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.