ઉનાના સૈયદ રાજપરા ગામમાં દરિયામાં કરંટ આવવાથી 2 મકાન ધરાશાયી, ગ્રામજનોની હાલત બની કફોડી

ઉના: ગુજરાતમાં ચોમાસાનો વિધિવત રીતે પ્રારંભ થઈ ગયો છે. જેના કારણે અનેક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, દરિયાકાંઠાના ગામડાંઓની હાલત અત્યારે કફોડી બની છે. કારણ કે, દરિયામાં ભારે કરંટ આવતો હોવાથી નજીકના ગામોમાં આવેલા મકાનો ધરાશાહી થઈ રહ્યાં છે. ઉનાના સૈયદ રાજપરા ગામમાં બે મકાનો ધરાશાયી થયા છે. જેથી આ પરિવારજનોની અત્યારે બીજે આશરો લેવા માટે મજબૂર બન્યાં છે.
દરિયાના પાણીને રોકવા માટે પ્રોટેક્શન વોલ બનાવવા લોકોની માંગ
સૈયાદ રાજપરા ગામના સરપંચ ભરતભાઈએ જણાવ્યું કે, બાબુભાઈ દાનાભાઈ ચૌહાણ અને દુદાભાઈ જેઠાભાઈ રાઠોડનું મકાન ઘરાશાયી થયું છે. દરિયામાં કરંટ આવવાના કારણે બે મકાન ધરાશાયી થયા છે. આ પહેલા વાવાઝોડા દરમિયાન પણ સાતથી આઠ મકાનો ધરાશાયી થયા હતા.’ અત્યારે સરપંચ ભરતભાઈએ સરકાર સામે માંગણી કરી છે કે, સત્વરે દરિયાના પાણીને રોકવા માટે પ્રોટેક્શન વોલ બનાવામાં આવે! કારણે દરિયામાં આવતા કરંટના કારણે મકાનો ધરાશાયી થયા છે. જેથી પ્રોટેક્શન દિવાલ બનાવવી ખૂબ જ જરૂરી છે. જો પ્રોટેક્શન દિવાલ નહીં બનાવવામાં આવે તો ગામના ભૌગોલિક રીતે બે ભાગ થઈ જશે તેવી આશંકા પણ સરપંચ ભરતભાઈએ વ્યક્ત કરી છે.

200થી 250 પરિવારને સ્થળાંતરિત કરવા પડે તેવી સ્થિતિઃ સરપંચ
વધુમાં ભરતભાઈએ જણાવ્યું કે, આવી સ્થિતિમાં ગામના 200થી 250 પરિવારોને સ્થળાંતરિત કરવાની સ્થિતિ નિર્માણ થાય તેવી શક્યતા છે. જેથી સરકારને આ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે વિનંતી કરી છે. આ કામ માટે 2.5 કરોડ રૂપિયા મંજૂર પણ થયા છે તો હવે સત્વરે ટેન્ડરની પ્રક્રિયા શરૂ કરીને કામ શરૂ કરવામાં આવે તેવી માંગણી પણ કરવામાં આવી છે.

ગ્રામજનોએ સત્વરે મદદ માટે લગાવી ગુહાર
દરિયા કિનારે આવેલા ગામડાંઓની હાલત ચોમાસા દરમિયાન કફોડી બની જતી હોય છે. એમાં પણ જો ઘર ધરાશાયી થઈ જાય તો પછી પરિવાર ક્યાં જઈને વસવાટ કરે? અત્યારે પણ અહીં 200થી 250 પરિવારને સ્થળાંતરિત કરવા પડે તેવી સ્થિતિ નિર્માણ પામી છે. જેથી તંત્રએ આ બાબતને ખાસ ધ્યાને લેવી જોઈએ. સ્થાનિક ધારાસભ્ય અને સાંસદ પણ ગ્રામજનની આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે કામ કરે તેવી માંગણી કરવામાં આવી છે.
આ પણ વાંચો…ગાંધીનગરના કોબા સર્કલ પાસે નિર્માણાધીન બિલ્ડિંગની દીવાલ ધરાશાયી, શ્રમિકો દટાયા