દ્વારકા

ફૂલડોલ ઉત્સવ નિમિત્તે દ્વારકામાં ભાવિકોનું ઘોડાપૂર; રસ્તાઓ પર જય રણછોડનાં નાદ

દ્વારકા: પવિત્ર યાત્રાધામ અને મોક્ષપૂરી દ્વારકામાં પૂનમનું વિશેષ મહત્વ છે, પરંતુ ફાગણી પૂનમનું અનેરું મહત્વ છે. હોળી પર કાળિયા ઠાકરનાં દર્શન કરવા માટે સમગ્ર સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાંથી ભાવિક ભક્તોનું ઘોડાપૂર દ્વારકા તરફ ઉમટી રહ્યું છે. આ સમયે દ્વારકાનાં માર્ગો પર પગપાળા સંઘોની ભીડ જોવા મળી રહી છે.

દ્વારકામાં પૂનમનું વિશેષ મહત્વ

મોક્ષપૂરી દ્વારકામાં પૂનમનું વિશેષ મહત્વ છે અને દર મહિને હજારો ભાવિકો પૂનમ ભરવા નિયમિત રીતે દ્વારકા આવતાં હોય છે. ત્યારે હવે હોળીને લઈને દ્વારકામાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હોળી પર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પગપાળા દ્વારકા પહોંચતા હોય છે, ત્યારે રસ્તાઓ પર પગપાળા શ્રદ્ધાળુઓ માટે સેવા કેમ્પ ખોલવામાં આવ્યા છે.

આપણ વાંચો: ફૂલડોલ ઉત્સવને લઈને દ્વારકા જગત મંદિરનાં સમયમાં ફેરફાર; એકસ્ટ્રા બસોનું પણ આયોજન

આમલકી એકાદશીના પાવન અવસરે દ્વારકા જગત મંદિરમાં ભક્તોનું માનવ મહેરામણ ઉમટ્યો હતો અને ભક્તોએ ભગવાન દ્વારકાધીશને ફૂલો અને અબીલ-ગુલાલથી રંગીને ભાવપૂર્વક પૂજા-અર્ચના કરી હતી.

હોળીના પર્વ નિમિતે દ્વારકા જગત મંદિર ખાતે ફૂલડોલ ઉત્સવની ઉજવણી કરવામાં આવશે, આ ઉત્સવમાં સહભાગી થવા માટે સમગ્ર સૌરાષ્ટ્ર ઉપરાંત ગુજરાત અને દેશભરમાંથી શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે.

આપણ વાંચો: દ્વારકાના પ્રાચીન મંદિરમાંથી શિવલિંગ ચોરીનો ભેદ ઉકેલાયો, ભત્રીજીને સપનું આવ્યું અને…

ફૂલડોલ ઉત્સવની ઉજવણીની પૂર્વ તૈયારીઓ તંત્ર દ્વારા કરવામાં આવી છે. જગત મંદિર ખાતે આગામી ૧૪મી માર્ચનાં રોજ હોળીનાં દિવસે ફૂલડોલ ઉત્સવ ઉજવવામાં આવશે. ફૂલડોલ ઉત્સવની ઉજવણીને ધ્યાને લઈને જગત મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર

હોળીનાં દિવસે સવારે ૬ વાગ્યે મંગળા આરતી કરવામાં આવશે. ત્યારબાદ બપોરે એક વાગ્યે અનોસર એટલે કે મંદિર બંધ કરવામાં આવશે. તેમજ બપોરે ૧:૩૦ વાગ્યે ઉત્સવ આરતી કરવામાં આવશે. ફુલડોલ ઉત્સવ દર્શન ૧:૩૦ થી ૩ વાગ્યા સુધી ઉજવાશે તેમજ બપોરે ૩ થી ૫ વાગ્યા સુધી જગત મંદિર બંધ રહેશે. ત્યારબાદ નિત્યક્રમ મુજબ દર્શન શરૂ રહેશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button