સૌરાષ્ટ્ર

સૌરાષ્ટ્રમાં ચાંદીપૂરા વાયરસનો પગપેસારો વધ્યો : પોરબંદરમાં નોંધાયો જિલ્લાનો પ્રથમ શંકાસ્પદ કેસ

પોરબંદર: ગુજરાતમાં દહેશત મચાવનારો ચાંદીપૂરા વાયરસની અસર ધીરે ધીરે સમગ્ર રાજ્યમાં વર્તાઇ રહી છે. રાજ્યના પશ્ચિમ કાંઠે પોરબંદર જિલ્લામાં પહેલો ચાંદીપુરા વાયરસનો શંકાસ્પદ કેસ નોંધાયો છે. શહેરના કડિયા પ્લોટ વિસ્તારમાં અઢીથી ત્રણ વર્ષના બાળકમાં ચાંદીપુરા વાયરસના લક્ષણો સામે આવતા તાત્કાલિક સારવારમાં ખસેડાયો છે.

હાલ ચાંદીપૂરા વાયરસની એન્ટ્રી સુરેન્દ્રનગર જિલ્લામાં પણ થઈ ચૂકી છે. જિલ્લાના ચુડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં બીમાર પડેલા એક બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મૂળ છોટા ઉદેપુર તાલુકાનો પરિવાર મજૂરી અર્થે આવ્યો હતો. તેના 11 વર્ષના બાળકને આંચકી આવતા તેને ચુડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યો હતો, ત્યાંથી સુરેન્દ્રનગર સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જેનો રિપોર્ટ પોઝિટિવ આવતા સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય તંત્ર પણ દોડતું થઈ ગયું છે.

આ પણ વાંચો: ગુજરાતમાં chandipura virusનો કહેર યથાવત : પંચમહાલ જિલ્લામાં નોંધાયા પાંચ શંકાસ્પદ કેસ

રાજકોટ જિલ્લામાં પણ ચાંદીપૂરા વાયરસનો કેસ નોંધાયો છે. ગોંડલ તાલુકાના અનિડા ગામમાં મૂળ મધ્ય પ્રદેશથી મજૂરી કરવા આવેલ પરિવારના સાત માસના બાળક બીમાર પડતાં રાજકોટ સિવિલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેમાં વાયરસના શંકાસ્પદ લક્ષણો જણાતા લેબમાં મોકલવામાં આવ્યા છે.

આ સિવાય ગોંડલના તાલુકાના રાણસીકી ગામના બે બાળકોના ચાંદીપુરા વાયરસથી મોત થયું હોવાના અહેવાલો છે. રાણસીકી ગામના સરપંચ ઘનશ્યામ કાછડીયાએ ચાંદીપુરા વાયરસના કારણે મોત થયાની આશંકા વ્યક્ત કરી છે. તેમણે જણાવેલું કે એક બાળકના સેમ્પલ લેવામાં આવ્યું હતું તેનું સારવાર દરમિયાન મોત થયું છે જ્યારે બીજા બાળકનું ઘરે જ મોત થયું છે. આરોગ્ય તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સરપંચ દ્વારા કરવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button