બોટાદમાં ખેડૂત વિવાદમાં 85 સામે ફરિયાદ, 65ની ધરપકડ: બોટાદમાં તણાવ વચ્ચે તપાસ તેજ | મુંબઈ સમાચાર
બોટાદ

બોટાદમાં ખેડૂત વિવાદમાં 85 સામે ફરિયાદ, 65ની ધરપકડ: બોટાદમાં તણાવ વચ્ચે તપાસ તેજ

બોટાદઃ ગુજરાતના બોટાદ જિલ્લામાં APMCમાં ખેડૂતોના કપાસ અને અન્ય વસ્તુઓમાં ‘કડદો’ કરીને ઓછા ભાવ આપવાના વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. આમ આદમી પાર્ટી (AAP) દ્વારા 12 ઓક્ટોબરે હડદડ ગામે ખેડૂતોની મહાપંચાયત યોજવામાં આવી હતી, જ્યાં પોલીસ અને ખેડૂતો વચ્ચે તીવ્ર ઘર્ષણ થયું હતું. આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં તણાવ વધ્યો હતો, બાદ આ મામલે પોલીસ તપાસ હાથ ધરવામાં આવી હતી.

આ વિવાદમાં પોલીસે કુલ 85 વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે, જેમાંથી 65 જણની ધરપકડ કરવામાં આવી છે. બાકીના 20 આરોપીઓ હજુ ફરાર છે. પકડાયેલા 65 આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે, જ્યાં પોલીસે 18 આરોપીના 6 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. આ આરોપીઓ દિવાળી એટલે કે 20 ઓક્ટોબર સુધી રિમાન્ડ પર રહેશે, જેથી તપાસમાં વધુ વિગતો બહાર આવી શકે.

મંગળવારે સાંજે પકડાયેલા આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં મોડી રાત સુધી દલીલો ચાલી હતી. પોલીસે 18 આરોપીના 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી, પરંતુ કોર્ટે પોલીસની વાત ન સાંભળતા 6 દિવસના રિમાન્ડને મંજૂરી આપી. બાકીના 47 આરોપીઓને જેલમાં મોકલી દેવાયા છે. આ નિર્ણયથી તપાસને વેગ મળ્યો છે અને પોલીસને વધુ પુરાવા એકત્ર કરવાની તક મળી છે.

હાલમાં ફરાર 20 આરોપીઓને પકડવા માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. હડદડ ગામમાં કોમ્બિંગ ઓપરેશન કરીને પથ્થરમારા કરનારા 20 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી છે અને તેમના વાહનોને પણ જપ્ત કરાયા છે. પરિસ્થિતિને કાબૂમાં રાખવા માટે ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે, જેથી કોઈ નવી અનિચ્છનીય ઘટના ન બને.

શું હતી આખી ઘટના?
આ આખી ઘટના બોટાદ APMCમાં કપાસ અને અન્ય વસ્તુઓમાં ઓછા ભાવ આપવાના વિવાદમાંથી શરૂ થઈ હતી. પોલીસની મંજૂરી વગર AAPએ મહાપંચાયત યોજી, જેમાં પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ થયું અને પોલીસ વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી, જ્યાં DySP મહર્ષિ રાવલ અને LCB PI એ .જી. સોલંકી સહિત ચારથી વધુ પોલીસકર્મીઓને ઇજા થઈ હતી.

આ દરમિયાન AAPના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ માર્કેટયાર્ડની મુલાકાત લઈને ખેડૂતોની સમસ્યાઓની ચર્ચા કરી અને આ ઘટનાને કાવતરું ગણાવીને CID તપાસની માંગ કરી હતી. તેઓએ પીડિત પરિવારોને મળીને સાંત્વના પાઠવી. સ્થાનિકોએ પોલીસના ન્યાયપૂર્વકની કામગીરીનો આભાર માન્યો છે અને ગામમાં શાંતિ પુનઃસ્થાપિત થઈ રહી છે.

આપણ વાંચો:  ગુજરાત કૉંગ્રેસમાં શરૂ થયો સળવળાટ, 6 શહેર પ્રમુખની કરી નિમણૂક…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button