બોટાદમાં બબાલઃ મહાપંચાયતમાં ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ, પથ્થરમારામાં અનેક લોકો ઘાયલ, પરિસ્થિતિ વણસતા લાઠીચાર્જ

બોટાદઃ બોટાદના હડદડ ગામમાં એપીએમસીમાં વેપારીઓ દ્વારા હરાજીમાં નક્કી થયેલા ભાવથી ઓછી કિંમત ચૂકવવામાં આવે છે. આ મામલે બોટાદમાં આ વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. ખેડૂતોને થતાં અન્યાય સામે આમ આદમી પાર્ટીએ વિરોધ અભિયાન હાથ ધર્યું છે. આજે બોટાદના હડદડ ગામમાં આમ આદમી પાર્ટીએ યોજેલી ખેડૂત પંચાયતમાં હાજર આવ્યાં હતાં. આ દરમિયાન ખેડૂતો પર પોલીસે લાઠીચાર્જ કરવામાં આવતા પરિસ્થિતી વધારે વણસી ગઈ હતી. લાઠીચાર્જ થતાં ટોળાએ પોલીસ પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો.
ટોળાએ પોલીસની ગાડીઓને પણ ભારે નુકસાન પહોંચાડ્યું
આ સમગ્ર ઘટનામાં ટોળાએ પોલીસની ગાડીઓને પણ ભારે નુકસાન પહોંચાડ્યું હોવાનું જાણવા મળ્યું છે. ‘આપ’ના નેતા રાજુ કરપડાએ બોટાદના હડદડ ગામ ખાતે ખેડૂતો સાથે એક ખેડૂત મહાપંચાયતનું આયોજન કર્યું હતું. પરંતુ પોલીસ દ્વારા આ મહાપંચાયતને મંજૂરી આપવામાં ના આવી હોવાથી કાર્યવાહી કરવામાં આવી હતી. મંજૂરી નહીં હોવા છતાં પણ આમ આદમી પાર્ટી (આપ) દ્વારા હડદડ ગામમાં જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુસ્સે થયેલા લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો
હડદડ ગામે ખેડૂત મહાપંચાયત માટે મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા થયા હતા. પોલીસે લોકોને વિખેરવાનો પ્રયાસ કર્યો જેના કારણે મામલો વધારે ઉગ્ર બન્યો હતો. પોલીસની કડક કાર્યવાહીના કારણે ગુસ્સે થયેલા લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. આ હિંસક વિરોધ દરમિયાન પોલીસની ગાડીઓ પર પથ્થરમારો કરીને તોડફોડ કરી હતી, જેમાં એક પોલીસની કારને પણ ઉથલાવી દીધી હતી. પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે અને ટોળાને વિખેરવા માટે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. અમુક પોલીસ અધિકારીઓને ઈજા પહોંચી છે. મળતા અહેવાલો અનુસાર ત્રણ પોલીસને ઈજા પહોંચી છે, જ્યારે આમ આદમી પાર્ટીના નેતાઓની પણ અટક કરવામાં આવી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
સમગ્ર વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો
આજે ‘આપ’ના પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવી, પાર્ટીના મહા મંત્રી સાગર રબારી સહિતના નેતાઓની પોલીસે બગોદરા હાઈવે પર અટકાયત કરી હતી. પરિસ્થિતિને ધ્યાને રાખતા વધુ પોલીસ ફોર્સ બોલાવી લેવામાં આવી હતી. અત્યારે સમગ્ર વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. પોલીસે સમગ્ર વિસ્તારમાં કોમ્બિંગ શરૂ કરી દીધું હોવાનું પણ પ્રકાશમાં આવ્યું છે.
મંજૂરી વિના મહા પંચાયતનું આયોજન થયું હતું
સમગ્ર બનાવને લઈને SPએ વિગતો આપતા જણાવ્યું કે આ મહા પંચાયતનું આયોજન મંજૂરી વગર કરવામાં આવ્યું હતું. અહીં લોકોને ગેરકાયદે એકઠા કરવામાં આવ્યાં હોવાથી પોલીસ પહોંચી હતી. પોલીસ પહોંચતા જ લોકોએ પથ્થરમારો શરૂ કર્યો હતો. પોલીસે ટિયર ગેસના સેલ છોડીને સ્થિતિને કાબૂમાં લીધી હતી. કેટલાક લોકોની અટકાયત કરવામાં આવી છે. હાલમાં સ્થિતિ નિયંત્રણમાં છે. હડદડ ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.’
આ પણ વાંચો : GST રિફોર્મ છતાં દિવાળી ટાણે કેમ સૂનું છે ફટાકડાનું બજાર? જાણો વેપારીઓના મનની વાત