શેત્રુંજી નદીના પૂરમાં ઇનોવા કાર તણાઈ: ગ્રામજનોએ 3 લોકોનો જીવ બચાવ્યો

ભાવનગરઃ ગુજરાતમાં આ વર્ષે ચોમાસામાં સામાન્ય કરતા વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે સામાન્ય રીતે નવરાત્રિ સમય દરમિયાન ચોમાસું પૂરું થઈ જતું હોય છે, પણ આ વર્ષ નવરાત્રિમાં પણ ચોમાસુ વિધ્ન બની વરસ્યું છે. ત્યારે ભાવનગર જિલ્લામાં જેસર નજીક રાણીગામ ગામે શેત્રુંજી નદીના ભારે પ્રવાહમાં એક કાર વહી ગઈ હતી, જેમાં ત્રણ લોકો ફસાયા હતા. ગ્રામજનોની તત્પરતા અને હિંમતના કારણે આ લોકોનો જીવ બચી ગયો.
સૂત્રો પાસેથી મળતી જાણકારી પ્રમાણે સોમવારે રાત્રે ભાવનગરના રાણીગામ ગામ નજીક શેત્રુંજી નદીના ખતરનાક પ્રવાહમાં એક ઇનોવા કાર ફસાઈ ગઈ હતી. કારમાં સવાર ત્રણ લોકો પાણીના પ્રવાહમાં ફસાયા હતા. સ્થાનિક ગ્રામજનોએ તરત જ દોરીની મદદથી ફસાયેલા લોકોને બચાવવાનું શરૂ કર્યું. આ રેસ્ક્યૂ ઓપરેશન હૃદયસ્પર્શી અને જોખમી હતું, પરંતુ ગ્રામજનોની હિંમતે ત્રણેય લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા.
આ પણ વાંચો : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી નદીઓમાં પૂરની સ્થિતિ; ૮ ગેટ ખોલી ઉકાઈ ડેમમાંથી પાણી છોડાયું
ઉપરવાસમાં ભારે વરસાદને કારણે શેત્રુંજી નદીમાં પાણીનો ધરખમ વધારો નોંધાયો હતો. નદી બે કાંઠે વહી રહી છે, જેના કારણે આસપાસના વિસ્તારોમાં પણ જોખમ વધી ગયું છે. ઉલ્લેખનીય છે કે ચોમાસાની વિદાય થઈ રહી હોવા છતાં, ચક્રવાતી પવનોના કારણે રાજ્યમાં વરસાદનું જોર યથાવત છે.
ગુજરાતની મુખ્ય નદીઓ જેમ કે નર્મદા, તાપી, કીમ, અંબિકા, વિશ્વામિત્રી અને શેત્રુંજીનું જળસ્તર ખતરાના નિશાનની નજીક કે તેનાથી ઉપર પહોંચી ગયું છે. દક્ષિણ અને પશ્ચિમ ગુજરાતના 15થી વધુ જિલ્લાઓમાં હજારો લોકો પ્રભાવિત થયા છે. ઘણા વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે જનજીવન ખોરવાઈ ગયું છે અને રસ્તાઓ, ઘરો તેમ જ જાહેરસ્થળો પર પાણીનો કબજો જોવા મળે છે. રાજ્યના મોટા ભાગના નદી-નાળા સહિત ડેમ ભરાઈ ગયા છે, જ્યારે અમુક હાઈ એલર્ટ મોડ પર છે, જ્યારે આ સિઝનમાં હજારો લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે.