સિંહ સાથે ચેનચાળા કરનાર યુવક કોણ હતો? વન વિભાગે કરી લીધી ધરપકડ...

સિંહ સાથે ચેનચાળા કરનાર યુવક કોણ હતો? વન વિભાગે કરી લીધી ધરપકડ…

ભાવનગરઃ ભાવનગર જિલ્લામાં આવેલા ફોરેસ્ટ રેન્જમાં સિંહો વધારે જોવા મળતાં હતાં. થોડા દિવસ પહેલા એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં એક વ્યક્તિ સિંહના ચેનચાળા કરી રહ્યો હતો. એક સિંહ જે મારણ ખાઈ રહ્યો હતો, તે દરમિયાન આ યુવક છેક નજીક પહોંચી ગયો અને વીડિયોગ્રાફી કરવા લાગ્યો હતો.

સિંહની પજવણી કરનારા આ યુવકની અટકાયત કરી લેવામાં આવી છે. અત્ર ઉલ્લેખનીય છે કે, ભાવનગર જિલ્લામાં સિંહની પજવણી કરનાર ઇસમને સીન-સપાટા કરવા ભારે પડ્યા છે.

તલ્લી ગામના રહેવાસી ગૌતમ શિયાળની ધરપકડ
વન વિભાગે પજવણી કરનાર ગૌતમ શિયાળ નામના યુવકની અટકાયત કરીને કાયદાનો પાઠ ભણાવ્યો છે. અંદાજે ચારથી પાંચ દિવસ પહેલા તળાજા વાઈલ્ડ લાઈફ રેન્જ હેઠળ આવતા બાંભોર અને તલ્લી ગામની સીમા સિંહ દ્વારા મારણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન યુવકે સિંહની એકદમ નજીક પહોંચીને ફોટા- વીડિયો બનાવી સિંહની પજવણી કરી હતી.

જેનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ પણ કર્યો હતો. આ યુવકની અત્યારે ધરપકડ કરી લેવામાં આવી છે. વન વિભાગ દ્વારા તલ્લી ગામના રહેવાસી 32 વર્ષીય ગૌતમભાઈ દોલાભાઈ શિયાળની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી દીધી છે.

વાયરલ વીડિયોના આધારે વન વિભાગે કરી કડક કાર્યવાહી
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં પણ જોવા મળી રહ્યું છે કે આ યુવક સિંહની એકદમ નજીક પહોંચે છે ત્યારે સિંહ અચાનક આ યુવક પર હુમલો કરવા દોડે છે જેમાં યુવકનો જીવ પણ માંડ-માંડ બચે છે.

આખરે શા માટે પોતાના જીવના જોખમે આવી ફોટોગ્રાફી કે વીડિયોગ્રાફી કરવી પડે? સિંહ કે કોઈ પણ વન્યજીવને હેરાન પરેશાન કરવા ગુનો બને છે. કાયદો ખબર હોવા છતાં પણ શા માટે આવી રીતે વન્યજીવોને હેરાન કરવામાં આવી રહ્યાં છે?

કોર્ટે ગૌતમ શિયાળના જામીન નામંજૂર કર્યા
કાર્યવાહીની વાત કરવામાં આવે તો, પકડાયેલ ગૌતમ શિયાળ નામના યુવક વિરુદ્ધ વન્ય પ્રાણી સંરક્ષણની વિવિધ ધારા હેઠળ ગુનો દાખલ કરનામાં આવ્યો છે. તળાજાની નામદાર કોર્ટે પજવણી કરનાર વ્યક્તિ ગૌતમ શિયાળના જામીન નામંજૂર કરીને ભાવનગર જિલ્લા જેલ હવાલે કરી દીધો છે. આ કાર્યવાહી અન્ય લોકો માટે ચેતવણીરૂપ છે કે, વન્યજીવોને હેરાન પરેશાન કર્યાં તો કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો…લડકીયોં સે પંગા નહીં લેનેકાઃ જંગલમાં પણ સિંહણોનું રાજ, સાવજ જેવા સાવજે ભાગવું પડ્યું, જૂઓ વીડિયો

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button