બોલો, ભાવનગરના તળાજામાં મોરના ઈંડા રાખવાના કિસ્સામાં આરોપીઓને 10 વર્ષે થઈ સજા

તળાજા: ભાવનગર જિલ્લાના તળાજાના ફુલસર ગામના ત્રણ ઈસમોએ રાષ્ટ્રીય પક્ષી મોરના ઈંડાને ગેરકાયદેસર રીતે રાખેલા હોય તેવી બાતમીના આધારે વન વિભાગે રાષ્ટ્રીય પક્ષી મોરને લગતા ખાસ કાયદાને અનુસરીને કાર્યવાહી કરી હતી. જે કેસમાં તળાજા કોર્ટે 10 વર્ષે ત્રણ ઈસમોને દોષિત માનીને ત્રણ વર્ષની સજા ફટકારીને નવો એક દાખલો બેસાડ્યો હતો.
આપણ વાંચો: અમાન્ય લગ્નમાં ‘ગેરકાયદેસર પત્ની’નો ઉપયોગ કરવા પર સુપ્રીમ કોર્ટે લગાવી હાઇ કોર્ટેને ફટકાર
વર્ષ 2014માં નોંધાયો હતો કેસ
તળાજા વન વિભાગ તરફથી મળતી માહિતી અનુસાર વર્ષ 2014માં આ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ગુનાના આરોપીમાં ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ફૂલસર ગામના રહેવાસી ધીરુભાઈ નાનુભાઈ વાઘેલા, વલકુભાઈ પુનાભાઈ વાઘેલા અને નીરુભાઈ પુનાભાઈ વાઘેલા પાસેથી મોર (માદા) જીવિત પાંચ ઈંડા મળી આવ્યા હતા.
આરોપીઓએ તે પાંચે ઈંડાને તેઓના ઘરે લઇ જઈ પાલતુ મરઘીના ઈંડા સાથે આ ઈંડા સેવીને તેમાંથી બચ્ચા થતા મોટા કરીને તેને ખાવાનો ઈરાદો ધરાવતા હતા.
તેઓની વિરુદ્ધ વ.પ્રા.સં.અધિ – 1972ની કલમ : ૨(૧૬), ૯, ૨(૩૬), ૨(૩૭), ૪૦(૧), ૫૦(૧)(ખ),(ગ) અને ૫૧ મુજબ ગુન્હો નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં સરકારી વકીલ દ્વારા દલીલ કરવામાં આવી હતી કે મોર ભારતનું રાષ્ટ્રીય પક્ષી છે.
અને વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ -1972ના અનુસૂચિ – 1મુજબનું વન્યજીવ છે. વધુમાં ભારતના બંધારણના અનુચ્છેદ 51(અ) મુજબ રાષ્ટ્રીય ધરોહરનું કાયદાકીય સંરક્ષણ કરવું એ તમામ ભારતીય નાગરિકની ફરજ છે.
આપણ વાંચો: ભારતીયોને ગેરકાયદેસર રીતે અમેરિકા મોકલનારા એજન્ટો રડાર પર, પણ પીડીતો એફઆઇઆર નોંધાવતા નથી
પ્રત્યેક આરોપી દીઠ દસ હજારનો દંડ
આવા સંજોગોમાં આ રાષ્ટ્રીય પક્ષીનો શિકાર કરવાનો ઈરાદો ધરાવનારા ઈસમોને જો છોડી મુકવામાં આવે તો રાષ્ટ્રીય પક્ષી ભારત દેશમાંથી નામશેષ થઇ જશે. જેથી સમાજમાં દાખલો બેસે અને આ રાષ્ટ્રીય પક્ષી તથા વન્યજીવોનું સંરક્ષણ થાય તે હેતુથી આ કામના આરોપીને મહત્તમ સજા કરવા દલીલ કરેલ.
જે દલીલને ધ્યાને લઇ તળાજા સિવિલ કોર્ટે ત્રણેય આરોપીઓને ત્રણ વર્ષની સજા તથા પ્રત્યેક આરોપી દીઠ રૂ. દસ હજારનો દંડ ભરવા અંગે હુકમ કરવામાં આવ્યો હતો.