ભાવનગર

માયાભાઈ આહિર સામેનો વિરોધ ઉગ્ર બન્યો, બગદાણા ધામની બહાર 4 કોળી યુવાનોનો આતંમવિલોપનનો પ્રયાસ

બગદાણા: યાત્રાધામ બગદાણામાં છેલ્લા ઘણા સમયથી એક વિવાદ ચાલી રહ્યો છે. જાણીતા લોકકલાકાર માયાભાઈ આહિરના દીકરા જયરાજ આહિરે બગદાણાના નવનીત બાલધિયા નામના કોળી યુવકને 29 ડિસેમ્બર, 2025ની રાત્રે આઠ શખ્સો સાથે મળીને ગંભીર હુમલો કર્યો હતો. જેને લઈને સમગ્ર કોળી સમાજમાં રોષ ફાટી નીકળ્યો હતો. આજે આ વિવાદ આજે ચરમસીમાએ પહોંચ્યો હતો. આજે નવનીત બાલધિયા માટે ન્યાયની માંગણી સાથે કોળી સમાજના ચાર યુવાનોએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો છે.

“નવનીતભાઈને ન્યાય આપો”

આજે બગદાણા ધામના મુખ્ય દરવાજા પાસે જ્વલનશીલ પદાર્થ છાંટી આત્મવિલોપન કરવાની કોશિશ કરી હતી. જોકે, સ્થળ પર તૈનાત પોલીસે સમયસૂચકતા વાપરી યુવાનો દીવાસળી ચાંપે તે પહેલા જ તેમને દબોચી લીધા હતા. બગદાણા ધામના મુખ્ય દરવાજા પાસે ચાર યુવાનો એકાએક એકઠા થયા હતા અને “નવનીતભાઈને ન્યાય આપો” ના નારા સાથે વાતાવરણ ગજવી મૂક્યું હતું. આત્મવિલોપનના પ્રયાસ બાદ પોલીસે તાત્કાલિક ચારેય યુવકોની અટકાયત કરી હતી અને પરિસ્થિતિ વધુ ન વણસે તે માટે તેમને ગુપ્ત સ્થળે ખસેડ્યા છે. યુવકોના આત્મવિલોપનના પ્રયાસનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે.

સાચા આરોપીને પોલીસ કેમ પકડતી નથી

કોળી સમાજના અગ્રણી અને એડવોકેટ કિશન મેરે પોલીસ તંત્ર પર આકરા પ્રહાર કરતા મીડિયાને જણાવ્યું હતું કે, “પોલીસ તંત્ર ન્યાય માંગતા આગેવાનોની અડધી રાત્રે ધરપકડ કરી રહી છે, પરંતુ જે સાચા આરોપીઓ છે તેમને કેમ પકડતી નથી? કોળી સમાજ સાથે હંમેશા અન્યાય કેમ કરવામાં આવે છે?” તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, સમાજના યુવાનો ન્યાય માટે ગમે તે હદે જવા તૈયાર છે.

ઉલ્લેખનીય છે કે, યુવાનોના આત્મવિલોપનના પ્રયાસની ઘટના બાદ બગદાણામાં પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સ્થાનિક સામાજિક અને રાજકીય વાતાવરણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. તંત્ર હાલમાં શાંતિ જાળવવાના પ્રયાસો કરી રહ્યું છે, પરંતુ આગામી સમયમાં આ વિવાદ વધુ ઉગ્ર બનશે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

આપણ વાંચો:  દાહોદમાં ભિક્ષુક યુવકે ટાવર પર ચડી કર્યો ડ્રામા, મોદીને લખેલી સુસાઈડ નોટમાં કોના પર કર્યા આક્ષેપો?

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button