ભાવનગરમાં પોલીસ પુત્રએ લીધો બે લોકોનો જીવ, મિત્ર સાથે લગાવી હતી કાર રેસ

ભાવનગરઃ ભાવનગરમાં કાલે સાંજે બે કારચાલકોએ જાહેર રોડ પર રેસ લગાડી હતી. જેમાંથી એક કારચાલકે કાર પરથી કાબૂ ગુમાવી દીધો હતો. આ દરમિયાન બે લોકોનું અડફેટે આવતા ઘટના સ્થળ પર જ મોત થયું હોવાનું પ્રકાશમાં આવ્યું છે. એટલું જ નહીં પરંતુ આ હિટ એન્ડ રનની ઘટનામાં અન્ય અનેક વાહનોને અડફેટે લીધો હતાં. મળતી વિગતો પ્રમાણે પોલીસ પુત્રએ આ અકસ્માત સર્જયો હતો. પોલીસ પુત્રેએ તેના મિત્ર સાથે રેસ લગાવી હતી. તે દરમિયાન કારની સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં બે લોકોના મોત થયાં છે.
કારચાલક અકસ્માત સર્જીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો
આ અકસ્માત કરના કારચાલક હર્ષરાજસિંહ ગોહિલ પોલીસ કર્મચારી અનિરૂદ્ધસિંહ ગોહિલનો પુત્ર હોવાનું જાણવા મળ્યું છે. જેથી તેની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અનિરૂદ્ધસિંહ ગોહિલ પોતે ભાવનગર ડિવાયએસપી હેડક્વાર્ટર ખાતે લોકલ ક્રાઇમ બ્રાંચમાં ફરજ બજાવે છે. કારચાલક હર્ષરાજસિંહ ગોહિલ અકસ્માત સર્જીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. કારચાલક હર્ષરાજસિંહ ગોહિલે બે નિર્દોષ લોકોનો જીવ લીધો હોવાથી લોકોમાં ભારે આક્રોશનો માહોલ જોવા મળ્યો હતો. આ સાથે તેની સામે કાર્યવાહી કરવા માટે પણ માંગણી કરવામાં આવી છે.
120-150 ની સ્પીડે કાર ચલાવતો હતો હર્ષરાજસિંહ
20 વર્ષીય હર્ષરાજસિંહ ગોહિલે ભગવતી સર્કલ નજીક GJ 14 AP 9614 નંબરની ક્રેટા કારથી અને લાલ કલરની બ્રેઝા કાર સાથે પુરપાટ ઝડપે રેસ લગાવી હતી. આ દરમિયાન સમગ્ર અકસ્માત સર્જાયો હતો. જેમાં બે લોકોના મોત થયા, જ્યારે એક વ્યક્તિ ઘાયલ થયો હતો. આ સાથે અનેક વાહનોને પણ અડફેટે લીધો હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિકોનું કહેવું છે કે, હર્ષરાજસિંહે 120-150 ની સ્પીડે કાર ચલાવી રહ્યો હતો. આથી 33 વર્ષીય ભાર્ગવભાઇ ભરતભાઇ ભટ્ટી અને 65 વર્ષીય ચંપાબેન પરશોતમભાઇ વાચ્છાણીને અડફેટે લીધા હતાં. આ બન્ને લોકોનું મોત થયા પરિવારમાં ભારે શોકની લાગણી છવાઈ છે. આ સમગ્ર મામલે નિલમબાગ પોલીસે તપાસ હાથ ધરી આરોપીની અટકાયત કરીને કાર્યવાહી હાથ ધરી દીધી છે.