બુટલેગરને છૂપાવનારી મહિલા કોન્સ્ટેબલનો આપઘાતનો પ્રયાસ, પ્રેમીની પત્નિએ શું નોંધાવી છે ફરિયાદ ?

ભાવનગરઃ બુટલેગરને છૂપાવવા બદલ સસ્પેન્ડ કરવામાં આવેલી મહિલા કોન્સ્ટેબલે આપઘાતનો પ્રયાસ કરતાં ચકચાર મચી ગઈ હતી.દોઢ વર્ષ જૂના પ્રેમ પ્રકરણ સંબંધિત વિવાદમાં ગાળો આપી અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપ્યાના આરોપ સાથેની ફરિયાદ નયના બારૈયાના પ્રેમીની પત્નિએ નોંધાવી હતી.
હાલ જામીન પર બહાર આવેલી નયના બારૈયાએ પ્રેમીની પત્નિને કહ્યું હતું કે, રાજુ મારો નહીં તો તારો પણ નહીં તથા મારા ઉપર 302 થાય તો પણ ફરક નથી પડતો. આ અંગે તળાજા તાલુકાના બોરડા ગામના મૂળ વતની અને હાલ સુરતમાં રહેતા પ્રેમીની પત્નિએ નયના બારૈયા વિરુદ્ધ 9 ફેબ્રુઆરીના રોજ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ દોઢેક વર્ષ અગાઉ તેઓ પોતાના પતિ અને બાળકો સાથે બોરડા ગામે રહેતા હતાં. તે દરમિયાન તેમના પતિને શિહોર તાલુકાના દેવગાણા ગામની મહિલા પોલીસ કોન્સ્ટેબલ નયના બારૈયા સાથે પ્રેમ સંબંધ હોવાની જાણ થઈ હતી.
ત્યારબાદ તેમણે નયનાબેન બારૈયાને ફોન તથા મેસેજ દ્વારા પતિ રાજુ ભમ્મર સાથેના સંબંધ તોડવા જણાવ્યું હતું. પરંતુ આ બાબતે નયના બારૈયાએ પ્રેમીની પત્નિને વોટ્સએપ પર ગાળો આપી હતી.પ્રેમીની પત્નિ દ્વારા કરાયેલી ફરિયાદ મુજબ ઓગસ્ટ 2025 દરમિયાન તેમના પતિ સુરત ખાતે આવી તેમની સાથે રહેવા લાગતા નયના બારૈયા ગુસ્સે ભરાઈ હતી. ત્યારબાદ વોટ્સએપ, ઈન્સ્ટાગ્રામ તથા ટેક્સ મેસેજ દ્વારા અવારનવાર ગાળો આપી તેમના પતિને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી.
આ તમામ ધમકીભર્યા મેસેજોના સ્ક્રીનશોટ અને સ્ક્રીન રેકોર્ડ પેનડ્રાઈવમાં સંગ્રહ કરી પુરાવા તરીકે પ્રેમીની પત્નિ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. જે મોબાઇલ મેસેજ આવ્યા હતાં, એ મોબાઈલ હાલ સુરત ખાતે તેમના ઘરે હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે ભાવનગરના વરતેજ પોલીસ મથકમાં થોડા સમય પહેલા પાર્થ દિનેશ ધાંધલ્યા સહિત ચાર શખસો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. આ ગુનામાં આરોપી પાર્થ ધાંધલ્યા ફરાર હતો અને ભાવનગર પોલીસ તેને શોધવા આખું શહેર ફેંદી રહી હતી. આ વોન્ટેડ આરોપીને ભાવનગર પોલીસમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયાએ પોતાના જ ઘરમાં આશરો આપ્યો હતો. નયના બારૈયા ભાવનગર શહેરના ભરતનગર પોલીસ મથક અને AHTU પોલીસમાં ફરજ બજાવતી હતી. SC-ST સેલ અને પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમને ખાનગી બાતમી મળી હતી કે વોન્ટેડ આરોપી પાર્થ ધાંધલ્યા મહિલા કોન્સ્ટેબલ નયનાના ઘરમાં આશરો લઈ રહ્યો છે. આ બાતમીના આધારે ટીમે નયનાના રોયલ પાર્કમાં આવેલા ઘરે સંયુક્ત રેડ કરી હતી.
પોલીસે જ્યારે નયનાના ઘરે ચેકિંગ કર્યું, ત્યારે ત્યાંથી વોન્ટેડ આરોપી પાર્થ દિનેશ ધાંધલ્યા (ઉં.વ. 26) હાજર મળી આવ્યો હતો. આ ઉપરાંત, કહેવાતી દારૂબંધી વચ્ચે પોલીસને નયનાના ઘરમાંથી ઇંગ્લિશ દારૂની એક બોટલ અને બિયરના ખાલી ટીન પણ મળી આવ્યા હતા. મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયાની આ હરકતથી આખા પોલીસ બેડાની ‘નજર નીચી’ થઈ ગઈ હતી અને ખાખીની શાખ પર ગંભીર ડાઘ લાગ્યો હતો. આ અનુસંધાને તેને સસ્પેન્ડ કરવામાં આવી હતી.



