ભાવનગરના કલેક્ટર ઓફીસના ગેટ પર ખુરશી ઢાળીને બેસી ગયા! જાણો શું હતું કારણ?

ભાવનગર: સામાન્ય રીતે એવું જોવા મળતું હોય છે સરકારી કચેરીઓમાં અધિકારીઓ અને કર્મચારીઓ સમય પર આવતા નથી, જેને કારણે સામાન્ય લોકોને તકલીફનો સામનો કરવો પડે છે. આ અધિકારીઓ સામે ભાવનગર જિલ્લાના કલેક્ટરે ઉદાહરણરૂપ કાર્યવાહી (Bhavnagar Collector) કરી છે. કલેક્ટરે સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કર્યો છે.
ડૉ. મનીષ બંસલ હાલ ભાવનગર જિલ્લાના કલેકટર છે, તેઓ સવારના સમયે ગ્રામીણ વિસ્તારની એક મામલતદાર કચેરીનું નિરીક્ષણ કરવા પહોંચી ગયા હતાં. ત્યાં જઈને તેમને જાણવા મળ્યું કે કચેરીમાં અધિકારીઓ અને કર્મચારીઓ હાજર નથી. આ જોઈને તેઓ કચેરીના ગેટ પાસે જ ખુરશી પર બેસી ગયા અને મોડા આવતા કર્મચારીઓના આવવાની રાહ જોવા લાગ્યા, તેઓ 11 વાગ્યા સુધી ત્યાં જ બેઠા રહ્યા. કલેક્ટરે મોડા આવતા તમામ કર્મચારીઓને ઠપકો આપ્યો.
કર્મચારીઓને ચેતવણી આપી:
કલેક્ટરને જાણવા મળ્યું કે કેટલાક કર્મચારીઓ સવારે 11 વાગ્યાથી પણ મોડા આવે છે. સોશિયલ મીડિયા પર એક્ટીવ રહેતા ભાવનગરે કલેકટર ડૉ. મનીષ બંસલે તેમના નિરીક્ષણ દરમિયાનનો વિડીયો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર પોસ્ટ કર્યો. તેમણે કેપ્શનમાં ચેતવણી આપી કે મોડા કામ પર આવનાર કર્મચારીઓ સામે કડક પગલા ભરવામાં આવશે.
ડૉ. મનીષ બંસલે વિડીયોના કેપ્શનમાં લખ્યું, “ભાવનગરની મામલતદાર ગ્રામ્ય ઓફિસની ઓચિંતી મુલાકાતમાં જાણવા મળ્યુ કે 11 વાગ્યા સુધી પણ મોટાભાગનો સ્ટાફ ગેરહાજર અને લેટ છે. આ ટેવ સારી નથી. સોમવાર અને મંગળવાર આમ પણ પબ્લિક ડે હોય છે, ત્યારે તો કોઈ પણ સંજોગોમાં આ ચલાવવા પાત્ર નથી. આ વિશે કડકાઈથી પગલા લેવામાં આવશે, એની ચોક્કસ ખાતરી આપુ છું.”
ભાવનગર જિલ્લાના કલેકટર ડૉ. મનીષ બંસલની આ કાર્યવાહીને સોશિયલ મીડિયા પર બિરદાવવામાં આવી રહી છે.
ડૉ. મનીષ બંસલ 2013 બેચના IAS અધિકારી છે, તેઓ રાજસ્થાનના શ્રી ગંગાનગરના રહેવાસી છે. તેમને આ વર્ષે એપ્રિલમાં ભાવનગરના કલેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતાં. તેઓ કલેક્ટર હોવા ઉપરાંત, એક ડૉક્ટર પણ છે. તેઓ MBBS ડિગ્રી મેળવ્યા પછી સિવિલ સર્વિસમાં જોડાયા છે.
આપણ વાંચો: ઉનામાં ખેડૂતો પોતે જ પોતાના ઉભા પાકનો કરી રહ્યા છે નાશ, કારણ જાણીને ચોંકી જશો