ભાવનગર

સૌરાષ્ટ્રના આ શહેરમાં ભાજપ સંગઠનમાં નિમાયેલા યુવકનું નિમણૂકના દિવસે જ મોત થતાં આઘાત

ભાવનગર: શહેરના ભાજપના સંગઠનમાં લાંબા સમયથી ચાલી રહેલી પ્રતીક્ષાનો આખરે અંત આવ્યો છે. શહેર ભાજપ પ્રમુખ કુમાર શાહે મોડી સાંજે નવા હોદ્દેદારોની સત્તાવાર યાદી જાહેર કરી હતી. જોકે, આ નવી ટીમની જાહેરાત સાથે જ પક્ષમાં ખુશીનો માહોલ છવાય તે પહેલાં જ એક અત્યંત દુઃખદ ઘટના બની છે. નવા માળખામાં બક્ષીપંચ મોરચાના પ્રમુખ તરીકે નિમણૂક પામેલા ભાવેશભાઈ રબારીનું હાર્ટ અટેકને કારણે નિધન થયું છે. આ સમાચારને પગલે સમગ્ર ભાવનગર ભાજપ પરિવાર અને કાર્યકરોમાં ભારે ગમગીની છવાઈ ગઈ છે.

મળતી માહિતી મુજબ, શહેર ભાજપ દ્વારા જાહેર કરાયેલી યાદીમાં કુંભારવાડા વિસ્તારના રહેવાસી ભાવેશ અશોકભાઈ રબારીને બક્ષીપંચ મોરચાના પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી હતી. સાંજના અંદાજે 6:30 વાગ્યાની આસપાસ જ્યારે સંગઠનની જાહેરાત થઈ, ત્યારે તેઓ કોઈ કામ અર્થે બહાર ગયા હતા. એ જ સમયે અચાનક છાતીમાં દુખાવો થતા તેઓ ઢળી પડ્યા હતા. તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ડોક્ટરો તેમને બચાવી શક્યા નહોતા. નવી જવાબદારી મળ્યાની થોડી જ મિનિટોમાં જન પ્રતિનિધિનું મોત થતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

અધિકારી સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ યાદી પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રી રત્નકરજીના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામા આવી છે. નવી ટીમમાં 8 ઉપપ્રમુખ, 3 મહામંત્રી, 8 મંત્રી અને 1 કોષાધ્યક્ષની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત મહિલા મોરચા, યુવા મોરચા, કિસાન મોરચા, અનુસૂચિત જાતિ-જનજાતિ અને લઘુમતી મોરચાના પ્રમુખ તથા મહામંત્રીઓના નામોની પણ જાહેરાત કરવામાં આવી છે. લાંબી કવાયત અને નિરીક્ષકોની પ્રક્રિયા બાદ આ સંગઠન જાહેર કરાયું છે.

નવા સંગઠનની રચનામાં શહેરના તમામ 13 વોર્ડના સક્રિય કાર્યકરોને સ્થાન આપવામાં આવ્યું છે. આ ટીમમાં તમામ જ્ઞાતિઓ અને વર્ગોનો સમાવેશ કરવાનો પૂરતો પ્રયાસ કરવામાં આવ્યો છે. આઇટી વિભાગ, સોશિયલ મીડિયા અને મીડિયા કન્વીનર જેવી ટેકનિકલ ટીમોની પણ જાહેરાત કરાઈ છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button