ભાવનગરમાં ચૂંટણી પહેલા ભડાકોઃ ભાજપના મેયરે ગ્રુપમાં બળાપો ઠાલવ્યો ને આત્મહત્યાની આપી દીધી ધમકી…

ભાવનગર: શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી નજીક આવી રહી છે. ચૂંટણી પહેલા ભાજપમાં ભડકો જોવા મળી રહ્યો છે. મેયર ભરતભાઈ બારડે પાર્ટીના સોશિયલ મીડિયા ગ્રૂપમાં પોતાની નારાજગી વ્યક્ત કરી, પોતાની સાથે થતા અન્યાય અને દબાણનો આક્ષેપ કર્યો છે.
વિખવાદ એટલી હદે વધ્યો કે શહેરના મેયરે આત્મવિલોપનની ધમકી આપી દીધી હતી. આ ઘટનાએ ભાજપના સ્થાનિક નેતાઓમાં ખળભળાટ મચાવ્યો છે, ખાસ કરીને જ્યારે પ્રભારી રત્નાકરજીની ભાવનગર મુલાકાત નજીક છે.

આત્મવિલોપનની ધમકી
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ભાવનગરના મેયર ભરતભાઈ બારડે શહેર ભાજપના વોટ્સએપ ગ્રૂપમાં એક પોસ્ટમાં પોતાની નિષ્ઠા અને 1978થી જનસંઘમાં જોડાયેલા હોવાની વાત કરી. તેમણે જણાવ્યું કે મેયર પદ તેમની મહેનત અને પાર્ટી પ્રત્યેની નિષ્ઠાને કારણે મળ્યું, નહીં કે કોઈની લાગવગથી. તેને આક્ષેપ કર્યો કે કેટલાક લોકો તેમને નિશાન બનાવી રહ્યા છે અને સિનિયર કાર્યકર તરીકે તેમની સાથે અયોગ્ય વ્યવહાર થઈ રહ્યો છે.
જ્યારે અન્ય એક મેસેજમાં તેને લખ્યું હતું કે જો કોઈ મારા દબાણ કરશે તો, હું જાહેરમાં આત્મવિલોપન કરીશ. તેને મેસેજમાં એવું પણ ઉમેર્યું હતું કે હવે મારાથી સહન નથી થતું અને આત્મવિલોપન પહેલા તે ઘણા રહસ્ય ખોલાની પણ વાત કરી હતી. ઉલ્લેખનીય છે કે રાત્રે 11:30 વાગ્યે આ પોસ્ટથી પાર્ટીમાં હલચલ મચી હતી, આ મેસેજના મુકાયા બાદ ગ્રૂપ એડમિન દ્વારા મેસેજને તાત્કાલિક ડિલીટ કરવામાં આવ્યો હતો.
ભાવનગરમાં ભાજપમાં વિખવાદ
ભાવનગર ભાજપમાં પાછલા ઘણા સમયથી સંગઠન અને ચૂંટાયેલા નગરસેવકો વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. આ અગાઉ પણ નગરસેવકોએ સંગઠન વિરુદ્ધ પ્રદેશ કક્ષાએ રજૂઆતો કરી હતી. મેયર ભરતભાઈ બારડ પૂર્વ પ્રમુખ અભય ચૌહાણની નજીક હોવાને કારણે તેમને અવગણવામાં આવતા હોવાની પણ વાત સૂત્રો દ્વારા જાણવા મળી રહી છે. આ વિવાદ ત્યારે વકર્યો જ્યારે લારી-ગલ્લા વિભાગમાં એક કર્મચારી વિરુધ મેયરે ભ્રષ્ટાચારની ફરિયાદ કરી હતી. ભરતભાઈ ભ્રષ્ટાચાર રોકવા માટે કડક વલણ અપનાવે છે.
મેયરે દાવો કર્યો છે કે ભાજપના એક વોર્ડ પ્રમુખ અને એક મહિલા હોદ્દેદાર દ્વારા તેમને હનીટ્રેપમાં ફસાવવાનો પ્રયાસ થયો હતો. આ ષડયંત્ર પાછળ પાર્ટીના મોટા નેતાઓનો હાથ હોવાનું તેણે જણાવ્યું હતું. આ ઘટનાથી તેઓ ખૂબ દુઃખી થયા છે. બુધવારે ભાજપના પ્રભારી રત્નાકરજીની ભાવનગર મુલાકાત દરમિયાન મેયર આ બાબતે રજૂઆત કરવાના હતા, પરંતુ તેમને રોકવા દબાણ થતાં તેમણે આવેશમાં આ પોસ્ટ કરી હતી. કોર્પોરેશનની ચૂંટણીને છ મહિના બાકી હોવાથી, મેયરની આ નારાજગીથી ઘણા નેતાઓની રાજકીય કારકિર્દી પર અસર થઈ શકે છે.