જાફરાબાદના દરિયામાં બે બોટ સંપર્ક વિહોણી, 16 માછીમારોની બચાવ કામગીરી શરૂ | મુંબઈ સમાચાર
અમરેલી

જાફરાબાદના દરિયામાં બે બોટ સંપર્ક વિહોણી, 16 માછીમારોની બચાવ કામગીરી શરૂ

ગુજરાતભરમાં હાલ વરસાદી માહોલ છવાયો છે. જ્યારે અમુક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. હવામાન વિભાગે પણ ગુજરાત પર પાંચ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે. ઉપરાંત રાજ્યના તમામ બેટ પર 3 નંબર સિગ્નલ લગાડવામાં આવ્યું છે. માછીમારો માટે દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે. આ વચ્ચે અમરેલી જિલ્લાના જાફરાબાદ નજીક શિયાળબેટથી બે માછીમારી બોટ દરિયામાં લાપતા થઈ ગઈ છે, જેમાં 16 માછીમારો સવાર હતા.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર અમરેલીના જાફરાબાદ નજીક શિયાળબેટથી બે બોટ, ‘લક્ષ્મી પ્રસાદ’ અને ‘ધનવંતરી’, દરિયામાં ગુમ થઈ ગઈ છે. બંને બોટમાં આઠ-આઠ માછીમારો સવાર હોવાનું જાણવા મળ્યું છે. આ બોટોનો સંપર્ક અચાનક તૂટી જતાં સ્થાનિક બોટ એસોસિએશને તુરંત કોસ્ટ ગાર્ડને જાણ કરી. આ ઘટનાએ સ્થાનિક માછીમાર સમુદાયમાં ચિંતા ફેલાવી છે, અને કોસ્ટ ગાર્ડે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી છે.

આ ઘટના એક દિવસ પહેલા બનેલી અન્ય દુર્ઘટનાની પીઠે બની છે, જેમાં જાફરાબાદની બે બોટ અને ગીર સોમનાથના રાજપરા ગામની એક બોટ ડૂબી ગઈ હતી. તે ઘટનામાં 28 માછીમારોમાંથી 17નું બચાવ થયું હતું, પરંતુ 11 માછીમારો હજુ લાપતા છે. આ ઘટનાઓએ દરિયાઈ સુરક્ષા અંગે ગંભીર સવાલો ઉભા કર્યા છે. દરિયામાં વધતા જોખમો અને અપૂરતી સુરક્ષા વ્યવસ્થા માછીમારોના જીવનને સંકટમાં મૂકી રહી છે.

જાફરાબાદની બોટ ગુમ થયાની જાણ થતાં અમરેલી જિલ્લા કલેક્ટર, ધારાસભ્યો અને અધિકારીઓએ માછીમાર આગેવાનો સાથે તાત્કાલિક બેઠક યોજી. કોસ્ટ ગાર્ડે બે એરક્રાફ્ટ અને અન્ય જહાજોની મદદથી શોધખોળ શરૂ કરી, પરંતુ દરિયામાં ભારે કરંટ અને વરસાદના કારણે બચાવ કાર્યમાં મુશ્કેલી આવી રહી છે. હવામાન સ્વચ્છ થતાં પોરબંદર અને દમણથી વધુ ચાર એરક્રાફ્ટ બચાવ કામગીરીમાં જોડાશે.

આ ઘટનાઓએ માછીમાર સમુદાયમાં ભય અને અનિશ્ચિતતા ફેલાવી છે. સ્થાનિક માછીમારોના પરિવારો લાપતા સભ્યોની સલામતી માટે પ્રાર્થના કરી રહ્યા છે. દરિયાઈ સુરક્ષા માટે આધુનિક ટેક્નોલોજી અને તાત્કાલિક બચાવ વ્યવસ્થાની જરૂરિયાત પર ભાર મૂકાઈ રહ્યો છે. તંત્ર દ્વારા લાપતા માછીમારોને શોધવા સતત પ્રયાસો ચાલુ છે, અને આ ઘટનાઓ ભવિષ્યમાં સુરક્ષા વ્યવસ્થા સુધારવા માટે ચેતવણીરૂપ બની છે.

આ પણ વાંચો…કાર્ગો શિપ માછીમારીની બોટ સાથે ટકરાઈ: 15 માછીમારને બચાવાયા

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button