સાવરકુંડલાને પ્રથમ બ્લડબેંકની ભેટ આપી, કેકે મહેતા સિવિલ હોસ્પિટલમાં બ્લડ બેંકનું લોકાર્પણ…

અમરેલી: અમરેલી જિલ્લાના સાવરકુંડલા મુકામે રાજ્ય સરકાર દ્વારા કે.કે. મહેતા સિવિલ હોસ્પિટલમાં બ્લડબેંકના નવ્ય પ્રકલ્પનો રાજ્ય પ્રધાન, કૌશિક વેકરિયાના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો. આ અવસરે શહેરના સેવાભાવી સદભાવના ગૃપ દ્વારા શિવદરબાર આશ્રમના ઉષામૈયાની પ્રેરણાથી રક્તદાન કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં સાવરકુંડલાવાસીઓ એ ઉત્સાહપૂર્વક રક્તદાન કરી નાગરિકોના નિરામય ભવિષ્યનો સંકલ્પ કર્યો હતો.
કૌશિક વેકરિયાએ બ્લડ બેંકનો શુભારંભ કરાવ્યો
આ પ્રસંગે રાજ્ય પ્રધાન કૌશિક વેકરિયાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે વિકાસની નવી કેડી કંડારતા અમરેલી જિલ્લાને હંમેશા ઉદાર હાથે સહાયતા કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી આયુષમાન યોજનાને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની રૂપિયા 5-5 લાખની સહાય આપી નાગરિકોના આરોગ્યની ચિંતા કરી છે. વર્ષો પહેલા સાવરકુંડલાની બ્લડ બેંકની માંગ પુરી કરી રાજ્ય સરકારે પ્રથમ સરકાર સંચાલિત બ્લડબેંક સાવરકુંડલાને આપી છે.

રક્તદાન કરનારા દાતાઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યાં
આ રક્તદાન કાર્યક્રમ અંતર્ગત રક્તદાન કરનારા દાતાઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં. કહ્યું કે, રક્તદાનએ લોહીનું અનોખું સગપણ છે. રક્તદાન દ્વારા એક પરિવારનું જીવન બચી શકે છે અને જીવનની નવી જ્યોત પ્રજવલ્લિત થાય છે. રક્તદાનની કિંમત કટોકટીના સમયમાં સમજાય છે. આ પ્રસંગે રાજ્ય પ્રધાને અમરેલી જિલ્લાને પ્રથમ સંપૂર્ણપણે સરકાર દ્વારા સંચાલિત બ્લડબેંકની ભેટ આપવા બદલ રાજ્ય સરકાર અને આરોગ્ય પ્રધાન પ્રફુલ્લ પાનશેરિયાનો આભાર વ્યક્ત કર્યો હતો. આ સાથે તેમણે બ્લડબેંકને ધરાતળ પર કાર્યરત કરવા માટે સાવરકુંડલા-લીલીયાના ધારાસભ્ય મહેશ કસવાલાને અભિનંદન પાઠવ્યા હતા.
150 બેડની નવી બિલ્ડીંગ બાંધવાની મંજૂરી આપવામાં આવી
સાવરકુંડલા-લીલીયા મતવિસ્તારના ધારાસભ્ય મહેશ કસવાલાએ પ્રાસંગિક ઉદ્ધોધન પણ કર્યું હતું. ભાષણ આપતા કહ્યું કે, સાવરકુંડલા શહેરની આ સિવિલ હોસ્પિટલને રાજ્ય સરકારે પ્રથમ સરકારી બ્લડબેંક મંજૂર કરી સમગ્ર વિસ્તારનો પ્રશ્ન હલ કર્યો છે. આ હોસ્પિટલના પરિસરમાં આગામી દિવસોમાં રૂપિયા 55 કરોડના ખર્ચે રાજ્ય સરકાર દ્વારા 150 બેડની નવી બિલ્ડીંગ બાંધવાની મંજૂરી પણ આપવામાં આવી છે. સાવરકુંડલાની શખાવતી પ્રવૃત્તિ અને સેવાભાવી સંસ્થા સદભાવના દ્વારા આયોજિત રક્તદાન કેમ્પથી આ બ્લડબેંકની શરૂઆત નાગરિકોને જરૂરિયાતના સમયે મદદ કરશે.



