અમરેલી એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી: એરક્રાફટ રનવે પરથી ઉતર્યું, અફરાતફરીનો માહોલ...
Top Newsઅમરેલી

અમરેલી એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી: એરક્રાફટ રનવે પરથી ઉતર્યું, અફરાતફરીનો માહોલ…

અમરેલી: અમદાવાદમાં પ્લેન ક્રેશની ઘટના બન્યા બાદ વિમાનમાં મુસાફરી કરતા લોકોમાં એક પ્રકારનો ડર વ્યાપેલો રહેતો હોય છે. આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. આ દરમિયાન અમરેલી એરપોર્ટ ખાતે એક ગંભીર દુર્ઘટના ઘટી હોવાના અહેવાલ છે.

અમરેલી એરપોર્ટ પર એક મિનિ એરક્રાફટ લેન્ડિંગ વખતે રનવેની સાઈડમાં સરકી ગયું હોવાનું જાણવા મળ્યું છે. જો કે, આ બનાવમાં જાનહાનિ થઈ નથી પરંતુ એરક્રાફ્ટને નુકસાન થયું હોયું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

ટ્રેનિંગ સેન્ટરનું પ્લેન લેન્ડિંગ સમયે રનવે પરથી ઉતર્યું

વિગતે વાત કરવામાં આવે તો, અમરેલી એરપોર્ટ પર ટ્રેનિંગ સેન્ટરનું એક પ્લેન લેન્ડિંગ દરમિયાન રનવે પરથી ઉતરી જતાં પલટી ખાતું બચી ગયું હતું. પ્લેન રનવે પરથી ઉતરી જતાં ક્ષણિક અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

જો કે, સત્વરે ટ્રેઈની પાયલટનો આબાદ બચાવ કરી લેવામાં આવ્યો હતો. આ દુર્ઘટનાના સમયે વરસાદી માહોલ હતો જેના કારણે લેન્ડિંગ દરમિયાન પ્લેનનું નિયંત્રણ બગડ્યું હોવાનું અનુમાન છે. જો કે, તેનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી.

અગાઉ પણ અહીં ટ્રેનિંગ કંપનીનું પ્લેન ક્રેશ થયું હતું

સમગ્ર ઘટનાની જાણ થતાં જ એરપોર્ટની ટેકનિકલ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પ્લેન રનવે પરથી કેમ ઉતરી ગયું તેની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. અગાઉ પણ અમરેલીના ગરીયા રોડ વિસ્તારમાં ટ્રેનિંગ કંપનીનું પ્લેન ક્રેશ થયું હતું, જેમાં અમદાવાદના ટ્રેઈની પાયલટનું મોત થયું હતું.

તે અકસ્માત પછી પ્લેનમાં બ્લાસ્ટ થવાથી આસપાસના વિસ્તારોમાં અફરાતફરી મચી ગઈ હતી. ફરી એકવાર આવી ઘટના બનતા પ્લેન ટ્રેનિંગ સેન્ટરોમાં સલામતીના ધોરણો અંગે પ્રશ્નો ઉભા થઈ રહ્યાં છે.

આ પણ વાંચો…કેશોદ એરપોર્ટ પર મોટા વિમાનો ઉતરી શકશેઃ રનવે 2500 મીટર સુધી લંબાવવામાં આવશે…

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button