દીપડાને ઇલેક્ટ્રીક શોક લાગતા થયું મોત: અમરેલીમાં એક અઠવાડિયામાં વન્યજીવના મોતની બીજી ઘટના

અમરેલી: ગીરકાંઠાના માનવ વસ્તીવાળા વિસ્તારમાં સિંહ અને દીપડા જેવા વન્ય પ્રાણીઓની અવરજવર વધી છે. આવા વન્ય પ્રાણીઓ દ્વારા માનવીઓ અને તેમનાં પાલતું પ્રાણીઓ ઉપર હુમલા કરાતા હોવાના બનાવો અવારનવાર સામે આવતા હોય છે. જોકે, આજે શિકારીનો જ શિકાર થઈ ગયો હોય, એવી ઘટના સામે આવી છે. આજે ધારી તાલુકાના મોણવેલ ગામમાં વીજશોક લાગવાથી એક દીપડાનું મોત નિપજ્યું છે.
દીપડાને લાગ્યો ઇલેક્ટ્રીક શોક
મળતી વિગત મુજબ ધારી તાલુકાના મોણવેલ ગામે રહેતાં ખેડૂત ધનજીભાઈની વાડી નજીક આવેલ લીમડા ઝાડ પર એક દીપડો ચડ્યો હતો. દીપડાએ લીંબડા ઝાડ પરથી આ દીપડાએ નીચે છલાંગ લગાવી હતી. પરંતુ છલાંગ લગાવતી વખતે લીમડાની બાજુમાંથી પસાર થતો પીજીવીસીએલનો વીજવાયરને દીપડોને સ્પર્શ્યો હતો. પરિણામે દીપડાને ઇલેક્ટ્રિક શોક લાગ્યો હતો. જેથી દીપડા સીધો નીચે ખાબકીને ઢળી પડ્યો હતો.
ખેતરમાં મૃત અવસ્થામાં પડેલા દીપડાને જોતા સ્થાનિકોએ વનવિભાગની અને પીજીવીસીએલની ટીમને જાણ કરી હતી. વનવિભાગે દીપડાના મૃતદેહને પી.એમ. માટે એનિમેલ કેર સેન્ટર ખાતે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી.
અમરેલીમાં વન્યજીવોના મૃત્યુની બીજી ઘટના
ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલાં અમરેલી જિલ્લાના વડીયા નજીક ટ્રેનની અડફેટે આવી જવાથી વધુ એક સિંહબાળ ઇજાગ્ર્સ્ત થયું હતું. આ ઉપરાંત કોટડા ખાતે એક સિંહબાળ કૂવામાં ખાબક્યૂં હતું. જેનું રેસ્ક્યૂ બાદ સારવાર દરમિયાન મોત થયું હતું.



