અમરેલી

કમોસમી વરસાદથી અમરેલી સહિત રાજ્યમાં કેરીના પાકનો સોથ વળી ગયો

અમરેલીઃ ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા કમોસમી વરસાદથી અમરેલી, સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં કેરીના પાકને મોટું નુકસાન પહોંચ્યું છે. આગામી દિવસોમાં માવઠાની આગાહી છે ત્યારે રાજ્યમાં ધરતીપુત્રો ચિંતાતુર બન્યાં હતા. અમરેલીના ધારી પંથકના ગામોમાં બાગાયતી પાકમાં કેરી સાથે ઉનાળુ પાકના તલ, જુવાર, બાજરી સહિતના પાકમાં નુકશાની જતા ખેડૂતોને મો માં આવેલો કોળિયો છીનવાઈ ગયો હતો. હાલ બાગાયતી પાકમાં કેરી પાકવાની તૈયારીમાં છે અને કેરીઓ ઉતારવાના સમયે જ કમોસમી વરસાદ કોપાયમાન બનીને ત્રાટકતા કેરીના પાકને તહસનહસ કરી નાંખ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદે ભારે નુકસાન પહોંચાડ્યું છે. તાલાલા ગીર પંથકમાં સૌથી વધુ અસર જોવા મળી હતી. આ વર્ષે કેસર કેરીનો પાક માત્ર 20-25 ટકા જ હતો. ભારે પવન અને વરસાદના કારણે બાકીની કેરીઓ પણ ખરી પડી હતી. દક્ષિણ ગુજરાતના ધરમપુર, વાંસદા સહિત આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદના કારણે ખેતીના મુખ્ય પાક કેરી સહિત ચીકુના પાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું હતું.

છોટા ઉદેપુર જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબકતાં કેરીનાં પાકમાં મોટું નુકશાન થયું હતું. નસવાડીની આંબાવાડીઓમાં કેરીઓ ખરી પડતાં ખેડૂતોને મોટાપાયે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. ભારે પવનને લીધે રાજાપુરી કેરી ઝાડ પરથી પડી ગઈ હતી. રાજ્યભરમાં કમોસમી વરસાદે કેરીના પાકને મોટા પાયે નુકસાન પહોંચાડ્યું છે ત્યારે આગામી દિવસોમાં કેરીના ભાવ પણ વધી શકે છે.

આ પણ વાંચો….નવસારીના આ 15 ગામમાંથી રોજની 2000 મણ કેરીની ચોરી! ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button