અમરેલીમાં પાક સહાય ડિજિટલ સર્વેનો વિરોધ કર્યો, ખેડૂતો અને 72 સરપંચએ ટીડીઓને કરી રજૂઆત

અમરેલીઃ અમરેલી જિલ્લાના રાજુલા અને જાફરાબાદ તાલુકામાં કમોસમી વરસાદને કારણે મોટા પ્રમાણમાં ખેડૂતોને નુકસાન થયું છે. જેથી ખેડૂતોને આ નુકસાન માટે વળતરની માંગણી કરવા માટે ખેડૂતો મેદાનો ઉતર્યાં છે. રાજુલા અને જાફરાબાદ તાલુકાના 72 ગામના સરપંચે ભેગા થઈને સરકાર દ્વારા કરવામાં આવતા ડિજિટલ સર્વેનો વિરોધ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. એટલું જ નહીં પરંતુ ખેડૂતો અને સરપંચ રાજુલા તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરવા પહોંચ્યા હતા.
ખેડૂતોને સીધી સહાય આપવામાં આવે તેવી માંગ
ખાસ કરીને વાત કરવામાં આવે તો, કમોસમી વરસાદથી ખેતીને મોટા પાયે નુકસાન થયું તેમાં રાહત સહાયની પ્રક્રિયા સામે 72 ગામોના સરપંચે ગંભીર આક્ષેપો કર્યાં છે. આ બે તાલુકાના ખેડૂતોનું કહેવું એવું છે કે, છેલ્લા સાત દિવસથી ચારથી પાંચ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થઈ રહ્યો છે, એટલું જ નહીં પરંતુ અત્યારે પણ વરસાદ ચાલુ જ છે, તો પછી આ સર્વે શા માટે કરવામાં આવે છે? ખેડૂતોએ સરકારને વિનંતી છે કે ખેડૂતોને સીધી સહાય આપવામાં આવે.’
આપણ વાચો: કમોસમી વરસાદથી મગફળીનું ઉત્પાદન ઘટવાની ભીતિ: ખેડૂતોને ભાવ અને નુકસાનનો બેવડો માર…
આ બે જિલ્લાના ખેડૂતોની તમામ જણસીને નુકસાન થયું
72 ગામોના સરપંચોનું કહેવું છે કે, ‘અતિવૃષ્ટિમાં 100% નુકસાન છે તો સર્વે કર્યે કંઈ થાય નહીં. કપાસ, ડુંગળી, મગફળી, માલઢોરનો ઘાસચારો સહિત તમામ જણસીને નુકસાન થયું છે. દરેક ખેતરોમાં 100 ટકા નુકસાન થયું છે તો તેના માટે રાહત પેકેજ જાહેર કરવામાં આવે અને જેથી દરેક ખેડૂતોને લાભ મળી શકે. અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદે જાણે કાળો કેર વર્તાવ્યો તેનો કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. હવે સરકાર દ્વારા આ મામલે શું નિર્ણય લેવામાં આવે છે તે જોવાનું રહેશે.



