અમરેલીઃ બોગસ લેટરપેડ કાંડમાં (amreli bogus letter pad scam) કુંવારી પાટીદાર દીકરીનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યા બાદ હાલ આ મુદ્દો રાજ્યમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.
ભાજપના કેટલાક નેતાઓના ઈશારે પોલીસે કાર્યવાહી કરી હોવાનો આરોપ કૉંગ્રેસે લગાવ્યો હતો. આ કેસના રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાત ન પડે અને પાટીદારો નારાજ ન થઈ જાય તેને લઈ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તાબડતોડ અમરેલી દોડી આવ્યા હતા. ઘટનાના ચાર દિવસ બાદ હર્ષ સંઘવી આવતાં અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે.
અમરેલીમાં બેનલી આ ઘટનાની ઉચ્ચ કક્ષાએ પણ નોંધ લેવામાં આવી છે. આ પ્રકરણમાં અમરેલી જિલ્લાના ભાજપનાં બે મોટાં માથાંની સંડોવણી બહાર આવી શકે છે.
આપણ વાંચો: અમરેલી લેટરપેડ કાંડઃ પ્રતાપ દૂધાતે મુખ્ય પ્રધાન અને ખોડલધામના નરેશ પટેલને પત્ર લખી શું કરી માંગ?
તેમના ઈશારે આ આખું કાવતરું ઘડવામાં આવ્યું હોવાની સ્થાનિક સ્તરે ચર્ચા થઈ રહી છે. આ બે નેતામાંથી એક નેતા સામે બધા પુરાવા એકઠા કરવામાં આવી રહ્યા છે તેમજ ગમે તે ઘડીએ તેમની ધરપકડ કરવામાં આવી શકે છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, ભાજપના ટોચના સિનિયર નેતાઓ દ્વારા પણ આદેશ કરવામાં આવ્યો છે કે આ કેસમાં કોઈનું પણ નામ ખૂલતું હોય તો કોઈ વાંધો નથી. પાર્ટી તરફથી તેમનો બચાવ કરવામાં નહીં આવે તેમજ જો પુરાવા હોય અને આરોપી કોઈનું નામ આપે તો પછી કોઈ પણ હોય, તેની વિરુદ્ધ કાર્યકારી કરવામાં આવશે.
પરેશ ધાનાણીએ કર્યા ટ્વિટ
અમરેલી કૉંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ પણ આ મુદ્દે સોશિયલ મીડિયા એકસ પર ઉપરા છાપરી ટ્વિટ કરીને સરકાર પર સવાલ ઉઠાવ્યા હતા.
કૌશિક વેકરિયા હાલ દિલ્હી મોવડીમંડળના સંપર્કમાં હોવાથી અમરેલી જિલ્લામાં કોઈપણ નિર્ણયનો સીધો કોલ લે છે અને પોતાનું ધાર્યું કરાવીને રહે છે, આથી અમુક નેતાઓને તેઓ નડતરરૂપ થઈ રહ્યા છે, જેથી તેમની ઈમેજ ખરડાવવા માટે આ આખું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
આ બોગસ લેટરકાંડમાં ભાજપના કાર્યકરોનાં નામ ખૂલતાં સોંપો પડી ગયો હતો. પોલીસે આ કેસમાં 28મી ડિસેમ્બરે તાલુકા ભાજપના પૂર્વ યુવા પ્રમુખ મનીષ વઘાસિયા, જશવંત ગઢ ગામના સરપંચ અશોક માંગરોળિયા, જિતુ ખાત્રા અને પાયલબેન ગોટીની ધરપકડ કરી હતી.
આપણ વાંચો: WATCH: અમરેલીમાં નકલી લેટરપેડ કાંડમાં ભાજપના જ નેતાઓની સંડોવણી સામે આવતાં મચ્યો ખળભળાટ
યુવતીના પિતાનું સ્ફોટક નિવેદન
આ કેસમાં પાટીદાર દીકરીના પિતાનું સ્ફોટક નિવેદન આવ્યું છે. યુવતીના પિતાએ કહ્યું મને ફોન આવ્યો કે ભાજપના વિધાનસભા દંડક કૌશિક વેકરિયાની તરફેણમાં વીડિયો બનાવો એટલે જામીન મળી જશે.
શું છે મામલો
ગત સપ્તાહે સોશિયલ મીડિયામાં અમરેલીના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરિયાના નામે એક લેટર ફરતો થયો હતો. આ પત્ર અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ કિશોર કાનપરિયાના લેટરપેડ પર લખાયો હતો અને તેમની સહી હતી. લેટરમાં ધારાસભ્ય કૌશિક વેકરિયા લાખો રૂપિયાના હપતા ઉઘરાવતા હોવાના આરોપ મૂકવામાં આવ્યા હતા.
લેટર વાઇરલ થતાં જ રાજકીય ખળભળાટ મચ્યો હતો. સ્થાનિક લેવલ પર વાઇરલ કરતાં પહેલાં આ લેટરની કોપી દિલ્હી-ગાંધીનગર પણ મોકલવામાં આવી હતી.. જેના નામે લેટર લખાયો હતો એ અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ કિશોર કાનપરિયાએ પોતે લેટર ન લખ્યાનું અને આ એક કાવતરું હોવાનું જણાવ્યું હતું.