માનવતાની મિસાલ: અમરેલીના વેપારીએ આખા ગામનું 90 લાખનું દેવું ચૂકવી 30 વર્ષ જૂનો ભાર ઉતાર્યો

અમરેલીઃ ગુજરાતના અમરેલી જિલ્લામાં એક વેપારીએ પોતાના ગામને કર્જમુક્ત કરીને માનવતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ કાર્યથી ગામના ખેડૂતોને નવું જીવન મળ્યું છે અને આ કાર્યથી ગામના ખેડૂતોમાં હરખની હેલી છવાઈ ગઈ છે. વેપારીએ પોતાની માતાની પુણ્યતિથિ પર આ લોકો સેવાનું કાર્ય કર્યું છે. જે સમાજ માટે મહત્વપૂર્ણ પ્રેરણા બની ગયું છે.
મળતી માહિતી પ્રમાણે સાવરકુંડલા તાલુકાના જીરા ગામના વેપારી બાબુભાઈ ચોરવાડિયા ઉર્ફે જીરાવાલાએ માતાની પુણ્યતિથિ પર ગામના 290 ખેડૂતનું છેલ્લા 30 વર્ષનું કર્જ ચૂકવી દીધું. તેણે આ કાર્ય માટે 90 લાખ રૂપિયાનું દાન કર્યું, જેથી ગામના તમામ ખેડૂતો કર્જમુક્ત થયા. આ કાર્યથી ગામના ખેડૂતોને મોટી રાહત મળી અને તેઓ નવા જીવનની શરૂઆત કરી શકશે.
આ મામલે મીડિયાને બાબુભાઈએ જણાવ્યું કે 1995થી જીરા સેવા સહકારી મંડળીને લઈને વિવાદ ચાલી રહ્યો હતો, જ્યાં તત્કાલીન વહીવટકર્તાઓએ ખેડૂતોના નામે ખોટી લોન લીધી હતી. આ કર્જ વર્ષો સુધી વધતું રહ્યું છે, જેના કારણે ખેડૂતોને સરકારી સહાય કે પછી નવી લોન કે અન્ય સુવિધાઓ મળી રહી નહોતી. દેવાને કારણે જમીનનું વિભાજન પણ અટકી પડ્યું હતું.
આ પણ વાંચો: ₹1.40 કરોડનું દેવું માફ કરાવવા ભાજપ નેતાના પુત્રએ રચ્યો પોતાના મોતનો ડ્રામા! પણ પોલીસે ઝડપી પાડ્યો…
ગામના ખેડૂતો પર કુલ 89,89,209 રૂપિયાનું કર્જ હતું, જે બાબુભાઈ અને તેમના ભાઈએ બેંક અધિકારીઓ સાથે વાત કરીને ચૂકવી દીધું. બેંકે પણ ખેડૂતોને NOC સર્ટિફિકેટ આપવામાં સહયોગ કર્યો અને તમામ ખેડૂતોને તે વહેંચી દેવાયા. બાબુભાઈએ કહ્યું કે તેમના પરિવારને માતાની ઈચ્છા પૂરી કરીને ખુશી થઈ અને આ સાચી શ્રદ્ધાંજલિ છે.
સર્ટિફિકેટ વહેંચતી વખતે ગામમાં ભાવુક વાતાવરણ સર્જાયું અને 290 ખેડૂતોની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. તેમણે બાબુભાઈને આશીર્વાદ આપ્યા અને આ ઘટનાએ સાબિત કર્યું કે ધનનો સાચો ઉપયોગ માનવતા માટે થાય તો તેનું મૂલ્ય અમૂલ્ય બને છે. માતાની પુણ્યતિથિને બાબુભાઈએ ગામ માટે નવા જીવનની શરૂઆત બનાવી દીધી.



