છોટા ઉદેપુરમાં નકલી કચેરી ખોલવાના માસ્ટર માઈન્ડ સંદીપ રાજપૂતનું હાર્ટ એટેકથી મોત
અમદાવાદ: રાજ્યના છોટા ઉદેપુર જિલ્લામાં નકલી કચેરી ખોલવાના કૌભાંડના માસ્ટર માઈન્ડ મનતા સંદીપ રાજપૂતનું ગત સાંજે છોટા ઉદેપુરની સિવિલ હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ અવસાન થયું છે. સુત્રોના જણાવ્યા અનુસાર મૃત્યુ બાદ તેના મૃતદેહને વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો છે. જ્યાં તેના મૃતદેહનું એસએસજી હોસ્પિટલમાં પેનલ પોસ્ટ મોર્ટમ હાથ ધરવામાં આવ્યું છે. જો કે પરિજનો દ્વારા તેના મૃતદેહનો સ્વિકાર નહી કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
સંદીપ રાજપૂતને ગત સાંજે પોણા છ વાગ્યે અચાનક ગભરામણ (છાતીમાં દુખાવો) થતા જેલ સત્તાવાળાઓને જાણ કરતા તાત્કાલિક તેને છોટા ઉદેપુરની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાતો હતો, જ્યાં તેની લગભગ અડધો કલાક જેટલી ટૂંકી સારવાર બાદ ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. જે બાદ તેના મૃતદેહને એસએસજી હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ અર્થે લાવવામાં આવ્યો છે. તેનું પેનલ પીએમ કરવામાં આવ્યું છે.
છોટાઉદેપુર પોલીસે આરોપી સંદીપ રાજપૂતની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ સંદિપે તેની પત્ની અને પરિવારજનો સાથે વાતચીત પણ કરી હતી. કસ્ટોડિયલ ડેથ થતા મૃતકની લાશ પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. જ્યાં મૃતકના એકત્ર પરિવારજનો અને સગા સંબંધીઓએ જ્યાં સુધી નિષ્પક્ષ તપાસ નહીં થાય ત્યાં સુધી મૃતદેહને સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો.
આ પણ વાંચો: છોટા-ઉદેપુર ડમી કચેરી કૌભાંડમાં ગુજરાતના મોટા માથાની સંડોવણીની આશંકા, આરોપીની માતાએ કર્યો બચાવ
મૃતકના નાના ભાઇ સંજય રાજપુતના જણાવ્યા મુજબ, ‘છોટાઉદેપુર સબ જેલમાંથી પોલીસવાળાનો ફોન આવ્યો હતો અને તેમણે સંદીપને સરકારી દવાખાને લઇ જઇ રહ્યા હોવાનું જણાવ્યું હતું. ત્યાં લઇ ગયા બાદ 10 મીનીટમાં પાછો ફોન આવ્યો હતો. અને કહ્યું કે તેમને એટેક આવ્યો છે, અને તેમનું મૃત્યુ થઇ ગયું હોવાનું જણાવ્યું હતું. બાકી તેમની તબિયત તો સારી હતી. તેમને કોઇ બિમારી નહોતી, તેમને ડાયાબીટીશ હતો.’
સંદીપ પર છોટા ઉદેપુર અને દાહોદમાં નકલી કચેરીઓ ખોલીને કરોડોની ગ્રાન્ટ લેવાનો ગંભીર આરોપ હતો. તેણે સરકાર સાથે લગભગ 18 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી. છોટાઉદેપુર પોલીસે આરોપી સંદીપ રાજપુતની ધરપકડ કરી જેલમાં ધકેલાયો હતો. તે છેલ્લા 7 મહિનાથી જેલામાં જ હતો. તેના નિધનથી પરિવારજનોમાં શોકનું મોજું વ્યાપી ગયું છે. કસ્ટોડિયન ડેથ અંગે પરિવારજનોએ નિષ્પક્ષ તપાસ નહીં થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવા ઇનકાર કર્યો છે.