Nakhtranaમાં સાંબેલાધાર : અડધી કલાકમાં જ અઢી ઇંચ વરસાદ
ભુજ: હવે ધીમે ધીમે રાજ્યમાં ચોમાસું ભરપૂર જામ્યું છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં આજે ભારે વરસાદ પડી રહ્યો છે. કચ્છ પર મેઘરાજા મહેરબાન થતાં નખત્રાણામાં સાંબેલાધાર વરસાદ પડ્યો છે. આજે અહી અડધી કલાકમાં જ અઢી ઇંચ વરસાદ પડ્યો છે. આટલો વરસાદ પડતાં બજારોમાં નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. આ સાથે બસ સ્ટેન્ડ પાસેના પાણીના વોંકળામાં એક બાઇક પણ તણાઇ હતી.
આ સાથે જ દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયાના કેશોદ ગામે સીમ વિસ્તારમાં વીજળી પડતા શ્રમિકનુ મોત થયું છે. બાલુભાઈ આવડ નામના 50 વર્ષના એક શ્રમિક ખેતરમાં કામ કરતા સમયે વીજળી ત્રાટકી હતી. આ બાદ મૃતકનો મૃતદેહ પીએમ અર્થે ખંભાળિયા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: જીઆઈ ટેગ મળ્યા પછી વૈશ્ર્વિક બજારમાં ‘કચ્છી સૂકો મેવો’ તરીકે ઓળખાતી ખારેકને મળ્યું પ્રાધાન્ય
જો કે જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. કાલાવડના ડેરી ગામે નદીના વહેણમાં ઉપરવાસમાં ભારે પડેલા વરસાદથી અચાનક પાણી આવી જતાં બળદગાડું તણાયું હતું. જો કે બે મહિલા સહિત અન્ય પાંચ વ્યક્તિઓનો આબાદ બચાવ થયો હતો. આ સિવાય નપાણિયા, ખીજડીયા, ખરેડી સહિતના ગામોમાં ભારે વરસાદ પડ્યો હતો.