સજની હત્યાકાંડ: ‘હું ફરીથી ભાગી જઈશ’ તરુણ જીનરાજની પોલીસને ચેતવણી

અમદાવાદ સાઈબર ક્રાઈમ બ્રાંચે સજની હત્યાકાંડના ફરાર આરોપી તરુણ જીનરાજની દિલ્હીના નજફગઢ ખાતેથી ધરપકડ કરી હતી. વેશ પલટો અને બનાવટી ઓળખ ઉભી કરવામાં પારંગત તરુણ પ્રથમ વાર ભાગી ગયા બાદ 15 વર્ષ સુધી ફારાર રહ્યો હતો, પરતું બીજીવાર ભાગી ગયા બાદ પોલીસે તેને દોઢ મહિનામાં જ પકડી પાડ્યો હતો. આ વખતે પકડાયા બાદ પણ તેણે પોલીસને ચેતવણી આપી હતી કે તે ફરીથી ભાગી જશે.
અમદાવાદના બોપલમાં રહેતા તરુણ જીનરાજે વર્ષ 2003માં તેની પતિ સજનીની હત્યા કરી હતી ત્યાર બાદ તે પોલીસની નજરમાંથી છટકી 15 વર્ષ ફરાર રહ્યો હતો. જે વર્ષ 2018માં પકડાયો હતો, ત્યારથી સાબરમતી સેન્ટ્રલ જેમાં કેદ હતો, જીનરાજ 4 ઓગસ્ટ 2023ના રોજ 15 દિવસના વચગાળાના જામીન પર છૂટ્યા બાદ ફરીથી ફરાર થઈ ગયો હતો.
દોઢ મહિના સુધી પોલીસને દોડાવ્યા બાદ ગત બુધવારે તે દિલ્હીથી પકડાયો હતો, પોલીસ હાલ તેની પૂછપરછ કરી રહી છે, સુત્રોના જણાવ્યા મુજબ જીનરાજે પોલીસને કહ્યું હતું કે તે ફરી ભાગી જશે. જીનરાજે પૂછપરછ દરમિયાન ઘણી વખત આ વાત કહી હતી. તે એક રીઢા ગુનેગારની જેમ પોલીસના પ્રશ્નોને ટાળી રહ્યો છે અને જવાબ આપવા માટે ઘણી ભાષાઓનો ઉપયોગ કરી રહ્યો છે.
બ્રિફિંગ દરમિયાન જીનરાજને દોરડાથી બાંધીને મીડિયા સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ, જીનરાજ ઘણી ભાષાઓ જાણે છે તે હિન્દી, અંગ્રેજી, ગુજરાતી, મલયાલમ, તેલુગુ અને કન્નડમાં વાત કરે છે. જ્યારે અમે તેને કંઈક પૂછીએ છીએ, ત્યારે તે જુદી જુદી ભાષાઓમાં જવાબ આપે છે.
અન્ય એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે તેઓ જીનારાજને તેની વર્તણૂક અને પસંદગીઓના એનાલિસિસને કરાણે પકડવામાં સફળ થયા હતા. તેમણે કહ્યું કે તે હેર ટ્રાન્સપ્લાન્ટ સેશન માટે ડૉક્ટરની સલાહ લઈ રહ્યો હતો. અમને દિલ્હીમાં ટેટૂની દુકાનમાંથી તેના ફૂટેજ પણ મળ્યા હતા.
જામીન મળ્યા બાદ જીનરાજ તેની માતા સાથે મધ્યપ્રદેશના મંદસૌરમાં પૈતૃક સંપત્તિ વેચવા ગયો હતો પરંતુ તે કામ થઇ શક્યું નહિ. ત્યારપછી તેણે જામીનના સમયગાળા દરમિયાન તેની માતા સાથે બે દિવસ વિતાવ્યા અને પછી બે દિવસ માટે ઉદયપુર ગયો. 19 ઓગસ્ટના રોજ, તે દિલ્હી ગયો અને ત્યાં જસ્ટિન કેટવિલે જોસેફની ઓળખનો ઉપયોગ કરીને પેઇંગ ગેસ્ટ રહેવા લાગ્યો. પોલીસે જણાવ્યું હતું કે તેની પાસે જોસેફના નામનું એક આધાર કાર્ડ પણ છે અને તેણે આ આધાર કાર્ડ કેવી રીતે મેળવ્યું તે અંગે તપાસ ચાલી રહી છે.
મામલાની માહિતી મુજબ જીનરાજે 14 નવેમ્બર, 2002ના રોજ સજની નાયર સાથે લગ્ન કર્યા હતા. ત્યાર બાદ તેની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરવા માટે 14 ફેબ્રુઆરી, 2003ના રોજ કથિત રીતે પત્નીનું ગળું દબાવી હત્યા કરી હતી. પછી, તે ગાયબ થઈ ગયો અને તેના મિત્ર પ્રવિણ ભાટેલીની ઓળખ ધારણ કરી હતી. આ ઓળખનો ઉપયોગ કરીને તેણે બેંગલુરુમાં નવું જીવન શરૂ કર્યું હતું. તેણે બીજી સ્ત્રી સાથે લગ્ન કર્યા અને બે બાળકોનો પિતા બન્યો. તેના નવા જીવનના પંદર વર્ષ પછી, ઓક્ટોબર 2018 માં બેંગલુરુમાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી.