ક્ષત્રિયોના વિરોધની વચ્ચે રાજકોટમાં રૂપાલાની 4.84 લાખની સરસાઈથી ભવ્ય જીત
રાજકોટ: 2024ની લોકસભાની ચૂંટણીમાં જો કોઈ બેઠક ચર્ચાનું કેન્દ્ર રહી હોય તો તે રાજકોટ હતી. અહી ભાજપે રાજ્યસભાના સાંસદ અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાને (Parshotam Rupala) ટિકિટ આપી હતી પરંતુ ક્ષત્રિય સમાજ અંગે કરાયેલ વિવાદીત ટિપ્પણીને લઈને ભારે વિરોધનો માહોલ હતો. ક્ષત્રીય સમાજે રાજકોટમાં ઉમેદવાર બદલાવની માંગ સાથે ભાજપની સાથે મોરચો માંડ્યો હતો.
જો કે તેમ છતાં રાજકોટ બેઠક પરથી તેમની 4,84,260 લાખની લીડથી ભવ્ય જીત થઈ છે. ખૂબ જ વિવાદનું કેન્દ્ર બનેલી આ બેઠક પર ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાએ કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીને (Paresh Dhanani) 4,84,260 મતોની સરસાઈથી હરાવ્યા છે. રૂપાલાને 8,57,984 મતો મળ્યા છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીને 3,73,724 મતો મળ્યા છે.
સૌથી વધુ વિવાદનું કેન્દ્ર :
ભાજપે રાજકોટ લોકસભા બેઠક પર સ્થાનિક નેતાઓની ટિકિટ કાપીને અમરેલીના પરસોત્તમ રૂપાલાને ટિકિટ આપી હતી. જો કે દલિત સમાજની એક મિટિંગમા રૂપાલાએ ક્ષત્રિય સમાજે બ્રિટિશરો સાથે રોટી બેટીના વ્યવહારો બાંધ્યા હોવાની વિવાદિત ટિપ્પણી કરી હતી. આ બાદ ક્ષત્રિય સમાજમા ભારે વિરોધ વ્યાપ્યો હતો અને રૂપાલાની ટિકિટ કાપવાની માંગ સાથે ભાજપ સામે જ મોરચો માંડી દીધો હતો. આ ટિપ્પણીને લઈને ભારે આંદોલન સર્જાયું હતું. ભાજપે ડેમેજ કંટ્રોલ કરવા ઘણા પ્રયત્નો કર્યા હતા. ગોંડલમાં ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે આ અંગે સભા પણ યોજાય હતી, તેમ છતાં આ વિવાદ શમ્યો ન હતો.
આ પણ વાંચો: Gujarat માં રાજકોટથી પરસોત્તમ રૂપાલાની જીત, મહેસાણાથી હરિભાઇ પટેલ અને વલસાડથી ધવલ પટેલ પણ વિજયી
ભાજપ પર માછલાં ધોવાયા :
આ દરમિયાન પરસોત્તમ રૂપાલાએ પણ માફી માંગી હતી પરંતુ તેમ છતા વિવાદ શમ્યો ન હતો. ભાજપ પ્રદેશ પ્રમુખથી લઈને ભાજપના મોટા નેતાઓએ ડેમેજ કંટ્રોલ કરવા અઢળક પ્રયત્નો કર્યા હતા. આમ છતાં ક્ષત્રીય આગેવાનોની એક જ માંગ હતી કે રૂપાલાન ટિકિટ કાપવામાં આવે. આ મુદ્દે ભાજપ ધર્મસંકટમાં ફસાઈ હતી. એકતરફ પક્ષના સશક્ત નેતા અને બીજી તરફ ક્ષત્રિય આંદોલનની માંગની વચ્ચે ભાજપનો હાલ સૂડી વચ્ચે સોપારી જેવો થઈ ગયો હતો. આખા ગુજરાત સહિત અન્ય રાજ્યો સુધી આ વિવાદ વકર્યો હતો. જેને લઈને ભાજપને ઘણું સહન કરવાનું થયું હતું.
પાટીદાર vs પાટીદાર વચ્ચે જંગ :
રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની જીત થઈ છે. તેની જીત પાછળ ઘણા કારણો જવાબદાર રહ્યા હતા. અમરેલીના ઈશ્વરિયા ગામના પરસોતમ રૂપાલા કડવા પાટીદાર છે. જ્યારે તેમની સાથે કોંગ્રેસે અમરેલીના જ પૂર્વ ધારાસભ્ય રહી ચૂકેલા પરેશ ધાનાણીને મેદાનમાં ઉતાર્યા હતા અને તેઓ લેઉવા પાટીદાર છે. આ બેઠક પર લેઉવા પાટીદારની વસ્તી છે, આથી પાટીદાર vs પાટીદાર વચ્ચે જંગ જામી હતી.
આ કારણોએ રૂપાલાને જિતાડ્યા :
ક્ષત્રિયોના વિરોધને લઈને આ બેઠક પર રૂપાલાના હારવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવતી હતી. જો કે આ વીરોધ બાદ પાટીદારો દ્વારા રૂપાલાના સમર્થનમાં બેઠકો કરવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રી અમીત શાહે પણ રાજકોટમાં સભાને સંબોધી હતી. મોરબી જિલ્લાના પાટીદાર પ્રભુત્વને લીધે રૂપાલાને જીત મળી છે એમ કહી શકાય. જો કે ક્ષત્રિય સમાજનો જે વીરોધ હતો તેની ખાસ અસર પરિણામો પર જોવા મળી હતી.