20 રૂપિયાની લાંચ કેસમાં 27 વર્ષે ન્યાય મળ્યો, નિર્દોષ છૂટેલા પોલીસકર્મીનું ચુકાદા બાદ નિધન…

અમદાવાદ: અમદાવાદમાં એક પોલીસ કર્મચારી પર આજથી 27 વર્ષ પહેલા 20 રૂપિયાની લાંચ લેવા બાબતે કેસ થયો હતો. આ કેસમાં 27 વર્ષે ચુકાદો આવ્યો છે. આ લાંચ કેસમાં નિવૃત્ત પોલીસ કૉન્સ્ટેબલ બાબુ પ્રજાપતિને કોર્ટે નિર્દોષ જાહેર કર્યાં છે. પરંતુ બન્યું એવું કે, નિર્દોષ જાહેર થતાની સાથે જ નિવૃત્ત પોલીસ કૉન્સ્ટેબલ બાબુ પ્રજાપતિનું મોત થઈ ગયું હોવાનું પ્રકાશમાં આવ્યું છે.
નિવૃત્ત પોલીસ કૉન્સ્ટેબલ બાબુ પ્રજાપતિ સતત 27 વર્ષથી ન્યાય માટે લડી રહ્યાં હતા. તેમને ન્યાય પણ મોતની અંતિણ ક્ષણે મળે છે. 27 વર્ષ બાદ લાંચના કેસમાં નિર્દોષ જાહેર થતાના ખુશીના સમાચાર સાંભળી નિવૃત્ત પોલીસ કૉન્સ્ટેબલનું ચુકાદા પછીની થોડી જ ક્ષણોમાં મોત થઈ ગયું છે.
શું હતો સમગ્ર મામલો?
ઘટનાની વિગતે વાત કરવામાં આવે તો, આ નિવૃત્ત પોલીસ કૉન્સ્ટેબલ બાબુ પ્રજાપતિ પર આજથી 27 વર્ષ પહેલા 1997માં વેજલપુર વિસ્તારમાં વિશાલા જંક્શન પાસે ફરજ દરમિયાન 20 રૂપિયાની લાંચ લેવાનો આરોપ લાગ્યો હતો. 1997માં એસીબી દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં 2004માં ડિસ્ટ્રિક્ટ કોર્ટે તેમને દોષિત ઠેરવી ત્રણ વર્ષની સજા ફટકારી હતી. પરંતુ અહીં ન્યાય ના મળતા તેમણે ગુજરાત હાઈકોર્ટના દ્વારા ખખડાવ્યાં હતા.
નિવૃત્ત પોલીસ કૉન્સ્ટેબલ બાબુ પ્રજાપતિને લાંચ કેસમાં 27 વર્ષે ન્યાય મળ્યો છે. આ સંઘર્ષ કોર્ટમાં 27 વર્ષ સુધી ચલાતો રહ્યો અને અંતે આજે ગુજરાત હાઈ કોર્ટે તેમને નીચલી તમામ અદાલતોના ચુકાદાને અમાન્ય ઠેરવીને નિર્દોષ જાહેર કર્યાં છે. પરંતુ ચુકાદા બાદ તેમનું મોત થઈ ગયું છે. ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ એસ. વી. પિન્ટોની કોર્ટે આ કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો હતો.
ગુજરાત હાઈકોર્ટ નોંધ્યું કે, લાંચની માંગણી અને સ્વીકાર બાબતે સરકારી પક્ષ દ્વારા પૂરતા અને વિશ્વસનીય પુરાવા રજૂ કરવામાં આવ્યા નથી. ગુજરાત હાઈ કોર્ટે પુરાવાઓના અભાવે નીચલી અદાલતનો ચુકાદો રદ કર્યો અને પોલીસ કર્મચારી બાબુ પ્રજાપતિને તમામ આરોપોમાંથી નિર્દોષ જાહેર કરી દીધા છે. કાદો આવ્યા બાદ પોલીસકર્મી અત્યંત ભાવુક અને ખુશ હતા. જેના માટે તેમણે વકીલનો આભાર પણ માન્યો હતો.



