અયોધ્યાના રામ મંદિર પર લહેરાશે અમદાવાદમાં બનેલ ધર્મ ધજા…

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં આવેલા શ્રી રામ જન્મભૂમિ મંદિરના નિર્માણકાર્યમાં આજે એક ઐતિહાસિક અને પવિત્ર ક્ષણ ઉમેરાવા જઈ રહ્યો છે. નવા મંદિરના નિર્માણ બાદ શિખર વિના જ ગયા વર્ષે ભક્તો માટે દર્શન ખુલ્લા મૂકવામાં આવ્યો હતા, પરંતુ હવે શિખર સહિત સમગ્ર મંદિરનું નિર્માણ પૂર્ણ થયું છે. આ પ્રસંગે, આજે 25 નવેમ્બરના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મંદિરના શિખર પર ‘ધર્મ ધજા’નું આરોહણ કરવામાં આવશે.
વિશેષ વાત એ છે કે, શિખર પર લહેરાવવામાં આવનારી ધજા અને તેને ઊંચો રાખનારા ધજા દંડ (થાંભલો) બંને અમદાવાદના કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે, જે ગુજરાત માટે ગૌરવની વાત છે.
આ ધજારોહણનો ભવ્ય કાર્યક્રમ આજે સવારે 10 વાગ્યે શરૂ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યા એરપોર્ટ પરથી હેલિકોપ્ટર દ્વારા સાકેત વિશ્વવિદ્યાલય પહોંચશે અને ત્યાંથી રોડ શો કરીને મંદિર પરિસરમાં દાખલ થશે. બપોરે લગભગ 12 વાગ્યે, PM મોદી શ્રી રામ મંદિરમાં ભગવા રંગનો ધજા લહેરાવશે અને ભગવાન શ્રી રામની પૂજા-અર્ચના કરશે. સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને, આજના દિવસે સામાન્ય શ્રદ્ધાળુઓને મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. માત્ર ખાસ મહેમાનોને QR કોડની મદદથી જ એન્ટ્રી મળશે.
મંદિરના શિખર પર શોભવા જઈ રહેલી આ ધજાનું નામ ‘ધર્મ ધજા’ છે, જેની ઉપર સૂર્યની આકૃતિ હોવાથી તેને ‘સૂર્ય ધજા’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ધજા હવામાનના પ્રતિકૂળ પરિબળો સામે ટકી રહે તે માટે અત્યંત મજબૂત બનાવવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે આ ધજા 22 ફૂટ લાંબો અને 11 ફૂટ પહોળો છે, જેનું વજન માત્ર 2.5 કિલોગ્રામ છે. જ્યારે નાયલોન અને રેશમના મિશ્રણથી બનેલા પોલિમર ફેબ્રિકમાંથી તૈયાર કરાયો છે, જેનું આયુષ્ય ત્રણ વર્ષનું છે. આ ધજા પર કેસરી રંગના આ ધજા પર ચક્ર, સૂર્ય, ૐ અને કોવિદાર વૃક્ષના પ્રતીકો અંકિત છે, જે વૈદિક સાહિત્ય આધારિત ઊંડા આધ્યાત્મિક સંદેશ આપે છે.
આ ધજા જે સ્ટીલના થાંભલા પર લહેરાશે તે પણ અમદાવાદના કારીગરો દ્વારા તૈયાર કરાયો છે. 44 ફૂટ ઊંચા અને સાડા પાંચ ટન (5500 કિલોગ્રામ) વજનના આ થાંભલાને કારણે ધજા જમીનથી લગભગ 205 ફૂટની ઊંચાઈએ ફરકશે.
આ ધજારોહણની પ્રક્રિયાને અત્યંત સચોટતા અને સુરક્ષા સાથે પૂર્ણ કરવા માટે ભારતીય સેનાની મદદ લેવામાં આવી છે. ધજાના વિશાળ કદ અને ઊંચાઈને કારણે તેને માનવબળથી ખેંચવું કઠિન હતું, તેથી એક ખાસ યાંત્રિક સિસ્ટમ ગોઠવવામાં આવી છે. સેનાના જવાનોએ વ્યાપક રિહર્સલ કર્યા હતા અને તેમના સૂચન પર જ ધજાનું પ્રારંભિક 11 કિલોગ્રામ વજન ઘટાડીને 2.5 કિલોગ્રામ કરવામાં આવ્યું.
જેથી દોરડા પરનું દબાણ ઘટે. ધજા દંડ ઉપરાંત, મુખ્ય મંદિર તથા આસપાસના 6 મંદિરોના ધ્વજ દંડ, મંદિર ઉપર લાગતા કડા, દરવાજાના હાર્ડવેર, દાનપેટી અને ભગવાનના આભૂષણ મૂકવા માટેનું બ્રાસનું કબાટ જેવી અનેક વસ્તુઓ પણ અમદાવાદમાં તૈયાર કરાઈ છે. આ ધજા સ્થાપના સમારોહના મુખ્ય યજમાન રામ મંદિર ટ્રસ્ટના સભ્ય ડો. અનિલ મિશ્રા અને તેમના પત્ની છે.
આ પણ વાંચો…વડાપ્રધાન મોદી આજે રામ મંદિરના શિખર પર ભગવો ધ્વજ ફરકાવશે! નિર્માણ પૂર્ણ થવાની ઔપચારિક ઘોષણા…



