મિલકત જાહેર કરવા અંગે કર્મીઓને રાહત, સરકારે પરિપત્ર બહાર પાડી સમયમર્યાદા લંબાવી
ગાંધીનગર: રાજ્ય સરકારે વર્ગ-3ના કર્મચારીઓને પણ તેમની મિલકતો જાહેર કરવી પડશે તેવો પરિપત્ર માર્ચ મહિનામાં જાહેર કર્યો હતો, જો કે હવે સરકારે આ અંગે વધુ એક પરિપત્ર જાહેર કરી તેમને પ્રોપર્ટી જાહેર કરવા મામલે રાહત આપી છે. સામાન્ય વહીવટ વિભાગે પરિપત્ર જાહેર કર્યો છે કે સરકારી કર્મચારીઓને સ્થાવર મિલકત જાહેર કરવી પડશે, એ માટેની સમય મર્યાદામાં વધારો કરીને મુદ્દત 15 જુલાઈ સુધી લંબાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે સરકારના આ પરિપત્રથી સરકારીકર્મીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
સરકારે જાહેરાત કરી હતી કે હવેથી વર્ગ 3ના કર્મચારીઓએ પણ પોતાની જંગમ અને સ્થાવર મિલકત જાહેર કરવી પડશે. સામાન્ય વહીવટ વિભાગે જાહેર કરેલા પરિપત્રમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે વર્ગ 3ના કરાર આધારિત કર્મચારીઓએ પણ પોતાની સ્થાવર મિલકતો અને મિલકત દર વર્ષે જાહેર કરવી પડશે. ત્યારે હવે સામાન્ય વહીવટ વિભાગે પરિપત્ર જાહેર કરીને જણાવ્યું છે કે સ્થાવર મિલકત જાહેર કરવાની સમયમર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે.
કર્મચારીઓ માટે મિલકત જાહેર કરવાની મુદત 15 જુલાઈ સુધી લંબાવવામાં આવી છે. સાથે જ જણાવ્યું છે કે વર્ગ-3ના કર્મચારીઓને 2023ના વર્ષની જ માહિતી આપવાની રહેશે. સાથે જ ફિક્સપગાર હેઠળના કર્મચારીઓને પણ વિગતો આપવા સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચો: Gujarat Board 10th Result : ધોરણ-10નું 82.56% પરિણામ જાહેર, 100 ટકા પરિણામ મેળવનારી 1389 શાળાઓ
રાજ્ય સરકારે અગાઉ વર્ગ 3ના સરકારી કર્મચારીઓએ 15 મે સુધીમાં પોતાની તમામ મિલકતો અને સ્થાવર મિલકતની વિગતો ઓનલાઇન ભરવા માટે પરિપત્રમાં સુચના આપી હતી, જે હવે વધારીને 15 જુલાઈ કરી દીધી છે. માહિતી અનુસાર, રાજ્ય સરકારમાં ક્લાસ 1 અને 2ના અધિકારીઓએ દર વર્ષે પોતાની મિલકત જાહેર કરવી પડે છે.
જો કોઈ કર્મચારી આ મહિતી આપી શકતો નથી તો સરકાર પગાર અટકાવી શકે છે. આ સિવાય પણ સરકાર યોગ્ય પગલાં લઈ શકે છે. પગાર સિવાયની બેનામી આવક પર સકંજો કસવા માટે સરકાર દ્વારા આ પગલાં લેવામાં આવે છે, ત્યારે હવે ક્લાસ 1થી 3 ના અધિકારીઓએ તેમની સ્થાવર મિલકત જાહેર કરવી પડશે.
રાજ્ય સરકારના વર્ગ 1 થી વર્ગ 3 ના કર્મચારીઓની વર્ષ દરમિયાન જંગમ મિલકતમાં થયેલા ફેરબદલની પણ નોંધ કરવી પડશે. સરકારના આ નિર્ણય સામે કર્મચારીઓમાં કચવાટ જોવા મળી રહ્યો છે.