Ram mandir: ગોધરા કાંડમાં માર્યા ગયેલા 19 કાર સેવકોના પરિવારજનો પણ અયોધ્યા આવશે

અયોધ્યા: વર્ષ 2002માં ગોધરા રેલવે સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસ ટ્રેન હત્યાકાંડમાં જીવ ગુમાવનારા 59 કાર સેવકોમાંથી 19 કાર સેવકોના પરિવારો અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપશે. વિશ્વ હિંદુ પરિષદ(VHP)ના એક પદાધિકારીએ શનિવારે આ અંગે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે ગુજરાતમાંથી અન્ય આમંત્રિતોમાં 320 સંતો અને 105 મહાનુભાવોનો સમાવેશ થાય છે.
વિશ્વ હિંદુ પરિષદ ગુજરાતના પદાધિકારીએ જણાવ્યું હતું કે, રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે આમંત્રિત કરાયેલા લોકોમાં ગોધરા કાંડામાં મૃત્યું પામેલા કારસેવકોના પરિવારો પણ સમાવેશ થાય છે. આ કારસેવકો અયોધ્યાથી અમદાવાદ પરત ફરી રહ્યા હતા.
તેમણે કહ્યું કે VHPએ 39 માંથી 20 કાર સેવકોના પરિવારના સભ્યોનો સંપર્ક કર્યો હતો. તેમાંથી 19 લોકોના પરિવારજનોએ 22 જાન્યુઆરીએ અયોધ્યામાં સમારોહમાં હાજરી આપવાની પુષ્ટિ કરી છે. VHPએ રામ મંદિરના નિર્માણ માટે 225 કરોડ રૂપિયા ભેગા કર્યા છે અને યોગદાન આપ્યું છે.
ફેબ્રુઆરી 2002 માં ટ્રેન સળગાવવાની ઘટનામાં 59 કાર સેવકોના મૃત્યુને બાદ ગુજરાતના ઇતિહાસમાં કલંક સમાન કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા, જેમાં 1,000 થી વધુ લોકો માર્યા ગયા હતા.