આપણું ગુજરાત

“રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાલી નામ જ છે ઇન્ટરનેશનલ એરપોર્ટ નથી”- દિગંતા બોરાહ એરપોર્ટે ડાયરેક્ટર, રાજકોટ

આજે સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે. જેમાં તેઓએ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એના રૂપરંગ કહેતા ઈન્ફ્રાસ્ટ્રકચર, ભપકો, દેખાવ અને સગવડો પર ટિપ્પણી કરી છે. ખરેખર વોશરૂમમાં પાણી ન આવવું તે ગંભીર બાબત છે.આ સંદર્ભે રાજકોટ ના સંસદ સભ્ય મોહનભાઈ કુંડારીયા સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે પાણી ન આવવું તે કોઈ મોટી વાત ન કહી શકાય.(??) અને ઈશ્યુ ન કહેવાય.(ટોઇલેટમાં, બહેનોને નડતા અમુક દિવસોનાં પ્રશ્નોમાં, ફ્રેશ થવામાં,… પાણીની જરૂર ન પડે?)તેમ છતાં હું મારી રીતે વાત કરી લઈશ.

રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા સાથે વાત કરતા તેઓએ આ વાતને ગંભીરતાથી લઈ એરપોર્ટ ડાયરેક્ટર દીગંતા બોરાહ સાથે વાત કરી હતી.અને તાત્કાલિક સમસ્યાનું નિવારણ કરવા સૂચના આપી હતી.

સમગ્ર મામલો આમ જુઓ તો એરપોર્ટ ઓથોરિટી અને ડાયરેક્ટર ની જવાબદારીમાં આવે. તેમની સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે ખરેખર આ ઇન્ટરનેશનલ એરપોર્ટ નામ આપ્યું છે. પરંતુ હજુ ઘણું કાર્ય બાકી છે.હાલની જે જગ્યા છે તે ઇન્ટરનેશનલ એરપોર્ટ નથી.પરંતુ કાર્ગો ટર્મિનલ છે.અત્યારે કાર્ગો ટર્મિનલ ને પેસેન્જર ટર્મિનલ તરીકે રાખ્યું છે.

હાલ સવાલ એ થાય છે કે એરપોર્ટ ટેક્સ તરીકે પૂરેપૂરા પૈસા લેવામાં આવે છે.અને સુવિધા દેવાની આવે ત્યારે કાર્ગો ટર્મિનલ ની સુવિધા આપવામાં આવે છે.તો દરેક પેસેન્જરને ટેક્સના પૈસા પરત આપવા જોઈએ કે નહીં?તે એક બહુ મોટો પ્રશ્ન સર્જાય છે.છ મહિના પછી અંદાજિત માર્ચ મહિના આસપાસ ઇન્ટરનેશનલ એરપોર્ટ ચાલુ થશે ત્યાં સુધી પેસેન્જર લૂંટાતા રહેશે?
સાવ પ્રાથમિક સુવિધા રૂપે પાણીનાં મામલે જ્યારે મામલો ગરમાયો છે ત્યારે જાણવા મળતી માહિતી મુજબ હજુ સુધી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને રેવન્યુ ડિપાર્ટમેન્ટના વિવાદ,ગજગ્રાહને લીધે પાણીની પાઇપલાઇન સંદર્ભે વાદવિવાદ ચાલતો હતો.

છેલ્લે રાજ્ય સરકારને વચ્ચે પાડી અને પ્રશ્નનું હાલ પૂરતું નિરાકરણ આવ્યું છે.પરંતુ હજુ સુધી પાઇપલાઇન નખાઈ નથી. એરપોર્ટ ડાયરેક્ટરના કહેવા મુજબ મોનસુનમાં પાઇપલાઇનનું કાર્ય શક્ય નથી એટલે સપ્ટેમ્બર મહિનામાં કે તે પછી પાણીની પાઇપલાઇનનું કામ શરૂ થશે.હાલ બોર કરી અને પાણી ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

પરંતુ એક માહિતી એવી પણ મળે છે કે રોજના આઠથી દસ ટેન્કર મંગાવી અને પાણી પૂરું પડાવવામાં આવે છે.રોજની ૧૨ ફ્લાઇટ અંદાજિત 1500 પેસેન્જર આવવાના અને 1,500 જવાના એટલે 3000 પેસેન્જર માટે પાણીની વ્યવસ્થા કરવાની હોય છે.આ બધું જોતા કદાચ ઉતાવળે એરપોર્ટનું ઉદઘાટન થઈ ગયું હોય તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. હાલ પાર્કિંગના મુદ્દે પણ ઘણા પ્રશ્નો છે બે કે ત્રણ દિવસમાં પરત આવતા પેસેન્જર્સ ને પોતાનું વાહન લઇ અને આવવું હોય તો પાર્કિંગ કરવાની યોગ્ય સુવિધાઓ ઊભી થયેલ નથી.

ખર્ચની વિગત પૂછતા ગુગલ સર્ચના અહેવાલ મુજબ ત્રણથી ચાર અલગ અલગ ખર્ચ દર્શાવાય રહ્યા છે.એક વિગત પ્રમાણે 1405 કરોડ તો બીજા પ્રમાણે 1500 કરોડની આસપાસ તો ત્રીજું google સર્ચ 2600 કરોડની આસપાસ નો ખર્ચ દેખાડે છે.તે સંદર્ભે ડાયરેક્ટર બોરાહના કહેવા મુજબ 1500 કરોડની આસપાસ નો ખર્ચ હોઈ શકે.કારણ રનવે બનાવવામાં બહુ મોટો ખર્ચ થતો હોય છે.પરંતુ ભારતનો આ પહેલો કિસ્સો છે કે એક કાર્યરત એરપોર્ટ બંધ કરી અને બીજુ એરપોર્ટ ચાલુ કરવામાં આવ્યું હોય.

એટલે હાલ તો જે સગવડો છે તે સારી છે તેવું માની અને છ મહિના સુધી આ જ પરિસ્થિતિ ચલાવી લેવી પડશે.
અમુક પ્રબુદ્ધ નાગરિકો સાથે વાત કરતા અને વિગતો આપતા તેઓના મત મુજબ ઇન્ટરનેશનલ એરપોર્ટ નામ સાંભળતા જ અપેક્ષાઓ સ્વાભાવિક છે કે વધી જાય.એવા સંજોગોમાં સ્પષ્ટ કહેવાયું હોત કે હાલની જગ્યા છે તે કાર્ગો ટર્મિનલ છે.

એટલે બને તેટલી સગવડ આપવાનો પ્રયત્ન કર્યો છે. પરંતુ છ મહિના પછી તમને ઇન્ટરનેશનલ એરપોર્ટની સુવિધાઓ મળશે તો કદાચ ઓછું દુઃખ થાય. સારું છે કે લોકો, વિપક્ષો આંદોલન કરવાનું ભૂલી ગયા છે.નહીં તો આ મુદ્દો વધારે ચર્ચાને ચકડોળે ચડત.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button