Railways: ખુદાબક્ષો પાસેથી નવ મહિનામાં અમદાવાદ રેલવેએ આટલા કરોડ વસૂલ્યા

અમદાવાદઃ પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા એક વર્ષ નહીં પણ માત્ર નવ મહિનામાં જ મોટી રકમ દંડપેટે વસૂલી છે. મુસાફરોએ ટિકિટ વિના કે નિયમોનો ભંગ કરી મુસાફરી કરતા પકડાયા હોય ત્યારે રેલવે દ્વારા વસૂલવામાં આવતા દંડની રકમ રૂ. 20 કરોડ કરતા વધારે છે.
આ અંગે મળતી માહિતી અનુસાર રેલ વાહનવ્યવહારમાં અનધિકૃત મુસાફરોને અટકાવવા માટે વિવિધ પ્રકારે ટિકિટ ચેકિંગ અભિયાન ચલાવવામાં આવે છે. આ વર્ષે ડિસેમ્બર માસ 2023ના અંત સુધીમાં અમદાવાદ મંડળ દ્વારા મહત્તમ ટિકિટ ચેકર કર્મચારીઓ જેમાં મહિલા ટિકિટ ચેકર્સ પણ સામેલ છે, તેમનો સહયોગ લઇને મણિનગર-નડિયાદ, અસારવા-દહેગામ, મહેસાણા-પાલનપુર, પાલનપુર-ગાંધીધામ સેક્શન તેમ જ અમદાવાદ સ્ટેશને વિવિધ પ્રકારનું ટિકિટ ચેકિંગ અભિયાન ચલાવવામાં આવ્યું હતું.
આ રીતે મોટા પાયે કરવામાં આવેલા તપાસ અભિયાન દરમિયાન ડિસેમ્બર 2023માં 28,422 કેસ નોંધાતા 1.94 કરોડ રૂપિયાથી પણ વધારે રકમ મેળવવામાં આવી જે ગત વર્ષની સરખામણીએ 27.29 ટકા વધારે છે. જ્યારે એપ્રિલ 2023થી ડિસેમ્બર 2023 સુધી ટિકિટ વિના, અનિયમિત ટિકિટ, બુક કર્યા વિનાના સામાનના કુલ 2.93 લાખ કિસ્સા તેમ જ 20.97 કરોડ રૂપિયાની રકમ એકત્રિત કરી હતી. રેલવે વારંવાર અપીલ કરે છે કે અધિકૃત રીતે જ મુસાફરી કરવામાં આવે જેથી આ પ્રકારે બમણા કરતા વધારે રકમ પ્રવાસીઓએ ભરવી ન પડે.