ગુજરાતમાં જળબંબાકાર: ૨૪ કલાકમાં ૨૨૨ તાલુકામાં મેઘ મહેર, આગામી ત્રણ દિવસ રેડ અને ઓરેન્જ એલર્ટ

ગુજરાતમાં ભાદરવા મહિનામાં ચોમાસાએ જોરદાર હાહાકાર મચાવ્યો છે. ત્યારે હજી આગામી સમયમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ માટે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, જેના કારણે રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવી ગયા છે. આ વરસાદી માહોલથી ખેડૂતોને લાભ થઈ શકે, પરંતુ સાથે જ નીચાણવાળા વિસ્તારોમાં પૂરનો ખતરો પણ વધ્યો છે.
ગુજરાતમાં ગઈકાલે 7 સપ્ટેમ્બરથી 8 સપ્ટેમ્બર સુધીના 24 કલાકમાં 222 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. બનાસકાંઠાના સુઈગામમાં સૌથી વધુ 16.14 ઈંચ વરસાદ નોંધાયો, જ્યારે ભાભર, વાવ અને કચ્છના રાપરમાં 12 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો. જ્યારે બનાસકાંઠાના થરાદમાં પોણા બાર ઈંચ વરસાદ વરસ્યો છે. ઉપરાંત બે તાલુકામાં સાત ઈંચ, એક તાલુકામાં છ ઈંચ, પાંચ તાલુકામાં ચાર ઈંચ, 14 તાલુકામાં ત્રણ ઈંચ, 26 તાલુકામાં બે ઈંચ, 59 તાલુકામાં એક ઈંચ અને બાકી અન્ય તાલુકામાં એક ઈંચથી નીચે વરસાદ નોંધાયો હતો.
હવામાન વિભાગ પ્રમાણે બનાસકાંઠા, મહેસાણા, પાટણ અને કચ્છ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યાં આગામી 48 કલાકમાં અતિભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, નવસારી અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે, જ્યાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. રાજ્યના 16 અન્ય જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. માછીમારોને આગામી ત્રણ દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ટળી શકે.
રાજ્ય સરકારે આગાહીને ધ્યાનમાં રાખીને કટોકટીની પરિસ્થિતિ સામે લડવા માટે પૂરતી તૈયારી કરી લીધી છે. ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી ઑપરેશન સેન્ટરમાં મુખ્ય સચિવ પંકજ જોષીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ, જેમાં વિવિધ જિલ્લાના કલેક્ટરો સાથે વિગતવાર ચર્ચા કરવામાં આવી. અધિકારીઓ અને કર્મચારીઓને હેડક્વાર્ટર પર હાજર રહેવાની સૂચના આપવામાં આવી છે. બનાસકાંઠા અને ખેડા જિલ્લામાં વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખીને શાળાઓ, કોલેજો અને આંગણવાડીઓમાં રજા જાહેર કરવામાં આવી છે.
આપણ વાંચો: ગોધરામાં ટ્રેન દુર્ઘટના ટળી, લોકો પાઈલટની સમયસૂચકતા અને રેલવેની સતર્કતાએ બચાવ્યા સેંકડો જીવ…