આ વખતે ગુજરાતીઓની ‘નવરાત્રી’ કેવી રહેશે, જાણી લો હવામાન ખાતાની ચોંકાવનારી આગાહી!

અમદાવાદ: ગુજરાતભરમાં ઓગસ્ટ મહિનામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. કચ્છથી લઈ કાઠિયાવાડ અને દક્ષિણથી ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો હતો. જુલાઈ-ઓગસ્ટમાં પડેલા ભારે વરસાદની માફક હવામાન વિભાગે આગાહી કરી છે કે સપ્ટેમ્બર મહિનામાં પણ ગુજરાતાં વરસાદ તોફાની બેટિંગ કરી શકે છે.
ભારતીય હવામાન વિભાગ (IMD)ની તાજેતરની આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી દિવસોમાં મેઘરાજાનું જોર વધવાની સંભાવના છે, જેમાં કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
આ વર્ષનું ચોમાસુ ‘અસાધારણ’ તીવ્રતા દર્શાવી રહ્યું છે, જેના કારણે પૂર અને અન્ય આફતોનું જોખમ વધ્યું છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેથી લોકોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.
સપ્ટેમ્બર મહિનામાં 109 ટકા વધુ વરસાદ!
સપ્ટેમ્બર મહિના માટે IMDએ રાજ્યમાં સામાન્ય કરતા 109 ટકા વધુ વરસાદની આગાહી કરી છે, જેમાં મહિનાના પહેલા અને છેલ્લા અઠવાડિયામાં વરસાદનું જોર વધુ રહેશે. 2 સપ્ટેમ્બર આસપાસ બંગાળની ખાડીમાં નવુ લો પ્રેશર સિસ્ટમ અને અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે વરસાદ વધશે.
જ્યારે મહિનાના મધ્યમાં તે ઘટી શકે છે. 22 સપ્ટેમ્બરથી શરૂ થતી નવરાત્રીમાં વરસાદી માહોલને કારણે ખેલૈયાઓને મુશ્કેલી પડી શકે છે, તેથી ગરબા રમવા જતા લોકોએ વરસાદી તૈયારીઓ કરવી જોઈએ.
સૌરાષ્ટ્ર-કચ્છમાં પાંચથી સાત સપ્ટેમ્બર સુધી ભારે વરસાદ
હવામાન વિભાગ પ્રમાણે આજે એટલે કે 1 સપ્ટેમ્બરથી 7 સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતમાં વરસાદનું જોર યથાવત્ રહેશે. જેમાં પહેલા અને બીજા દિવસે હળવાથી ભારે વરસાદની સંભાવના છે, જ્યારે ત્રીજા દિવસે અતિભારે અને ચોથા-પાંચમા દિવસે અત્યંત ભારે વરસાદ પડી શકે છે.
ગુજરાત રીજનમાં 4 અને 5 સપ્ટેમ્બરે અલગ-અલગ સ્થળોએ અત્યંત ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે છે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં 5થી 7 સપ્ટેમ્બર સુધી અત્યંત ભારે વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ સમયગાળામાં ગાજવીજ, વીજળી અને તોફાની પવનોનું જોખમ પણ રહેશે, જેના કારણે યલો અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
ભારે વરસાદને કારણે જિલ્લા પ્રશાસન બન્યું સજ્જ
રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદની તીવ્રતા અલગ-અલગ છે, જેમ કે સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, નવસારી અને વલસાડમાં 1-2 સપ્ટેમ્બરે ભારે વરસાદની આગાહી છે, જ્યારે 3 સપ્ટેમ્બરે છોટાઉદેપુર અને નર્મદામાં અતિભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ છે.
દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી, ડાંગ અને વલસાડ જેવા વિસ્તારોમાં વરસાદનું જોર વધુ રહેશે, જ્યારે મધ્ય અને સૌરાષ્ટ્રમાં પણ અમરેલી, ભાવનગર અને ભરૂચમાં અતિભારે વરસાદની સંભાવના છે. આનાથી પુર, ભૂસ્ખલન અને ફ્લેશ ફ્લડ્સનું જોખમ વધી શકે છે, તેથી વહીવટી તંત્રને તૈયારી કરવાની જરૂર છે.
ક્લાઇમેટ ચેન્જથી બચવા માટે ઉકેલ લાવવા જરુરી
આ વરસાદી સ્થિતિને કારણે લોકોને નીચાણવાળા વિસ્તારોમાંથી દૂર રહેવું અને હવામાન વિભાગની આગાહીને અનુસરવું જોઈએ. સરકારી એજન્સીઓ રાહત કાર્યો માટે તૈયાર છે, પરંતુ ક્લાઈમેટ ચેન્જને કારણે આવી તીવ્ર ઘટનાઓ વધી રહી છે.
તેથી લાંબા ગાળાની યોજનાઓ જરૂરી છે. ખેડૂતોને પાકની સુરક્ષા માટે સાવચેત રહેવું પડશે, જ્યારે શહેરી વિસ્તારોમાં ટ્રાફિક અને પૂરની સમસ્યા ઊભી થઈ શકે છે.
આ પણ વાંચો…નવરાત્રી પાસના નામે છેતરાતા નહીં, ગુજરાત પોલીસે પહેલેથી ચેતવ્યા છે ખેલૈયાઓને…