ક્ષત્રિયોના ખભે બંદૂક મૂકી શંકરસિંહ વાઘેલા નાળચું કઈ તરફ તાકશે ?
ઉમરના 83 માં પડાવે પણ શંકર સિંહ લક્ષ્મણસિંહ વાઘેલા ઓલિમ્પિકમાં પણ જો દોડવાનું કહો તો, હાંફી ના જાય તેવો મિજાજ. હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવતા જ ‘બાપુ’ એ પોતાની ફટાકડીના પૂરજાઑ ને ‘ઓયલિંગ’ કરવાનું શરૂ કર્યું છે. સંભવ છે દશેરા આસપાસ પોતાની ફટાકડીનું ‘સર્વિસિંગ’ થઈ જાય અને બાપુ ફટાકડીનું ‘ટેસ્ટિંગ’ પણ કરી લે.
લોકસભા ચૂંટણી વખતે શંકરસિંહ ક્ષત્રિય સમુદાય સાથે રહ્યા અને અમદાવાદ જિલ્લાના ધોળકા પાસેના એક સમેલનમાં સમાજ સાથે રહીને તીખા તમતમતા વેણ પણ ઉચ્ચાર્યા. કહેવાય છે કે, બાપુ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે વધુ એક ‘સામાજિક મંચ’ના માધ્યમ થકી પોતાની આગવી શૈલીની ‘ટનાટન’ રાજનીતિ કરશે.
શંકરસિંહ વાઘેલા અને ગુજરાતની રાજનીતિ
રાજનીતિક જીવનમાં લગભગ ગોલ્ડન જયુબિલી પસાર કરી ચૂકેલા ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી અને કેન્દ્રિય મંત્રી શંકરસિંહ લક્ષ્મણ સિંહ વાઘેલાની રાજનીતિક જિજીવિષા હજુ ખતમ થતી નથી દેખાતી. ઉમરના 83 પડાવ પસાર કરી ચૂકેલા શંકર સિંહે રાજનીતિક જીવનની કઈક- લીલી-સૂકી જોઈ નાખી છે.
સૂકી ભઠ્ઠ સાબર મતિથી માંડીને સી પ્લેન ઉતરવા સુધીના હિલ્લોળે ચઢેલી સાબરમતિના વહેણ ‘બાપુ’ની ગોલ્ડન ફ્રેમ પાછળથી ચળકતી આંખમાથી ઓઝલ નથી થયા. પણ રાજનીતીમાં આખરી શ્વાસ સુધી લડી દેવાના મક્કમ નિર્ધાર સાથે,શંકરસિંહ એક તરફ કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ સાથે ગાંધીનગરમાં ગોઠડી માંડે છે. તો ત્રણ જ દિવસ પછી બાપુ ઉત્તરપ્રદેશના લખનૌમાં સપા સુપ્રીમો અખિલેશ યાદવને પણ મળે છે. શું શંકર સિંહ તેલ સાથે ધાર પણ પારખે છે ? આ સવાલ માત્ર ગુજરાતની રાજનીતીમાં જ નહીં, પરંતુ રાષ્ટ્રીય રાજનીતીમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે.
ગાંધીનગરમાં યોગાનુયોગ (શંકરસિંહના કથન મુજબ) વાઘેલા સર્કિટ હાઉસમાં હતા અચાનક જ એવામાં આવી પહોચેલા કેંદ્રીયમંત્રી અમિત શાહને જાણ થઈ અને તેડું આવતા ‘બાપુ”તેમણે મળવા ગયા. ‘ પછી તો મને સાંભરે રે, તમોને કેમ વિસરે રે ? વાળી શરૂ થઈ.
રાજનીતિના બંને દિગિદિગંતોની વાતચીતમાં ઘડિયાળનો કાંટો પણ રમમાણ થતાં ખાસો સમય વીતી ગયો. બાપુ એમ જ તો આટલા લાંબા થાય નહીં, પણ બાપુ પોતાના વિચાર બીજને ખાતર-પાણી કોણ આપી શકે છે તેની હમેશા ફિરાકમાં હોય છે. હવે વાત એમ છે કે, દીપાવલિના તહેવારો પછી ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવે છે. ગુજરાતમાં ક્ષત્રિય સમુદાય બીજી વખત રાજકોટના સાંસદ પરસોતમ રૂપાલાથી નારાજ થયો છે.
અંતરમાં તિરાડ પડી,પછી પડ્યા અંતર
ગુજરાતની રાજકીય તવારીખ સાક્ષી છે કે,શંકરસિંહ 2017ની ચૂંટણીની જીત વખતે મુખ્યમંત્રી શપથ ગ્રહણ સમારોહમાં હતા. આ પહેલા જ સ્વર્ગીય અહેમદ પટેલ સાથે અંતરમાં તિરાડ પડતાં,બાપુએ વિધાનસભા ચૂંટણી પહેલા જ પોતાના જન્મદિવસે કોંગ્રેસ તો છોડી, પણ કહેવાય છે કે તેમના ઇશારે જ લગભગ 12 થી 15 એ વખતના કોંગ્રેસી ધારાસભ્યોએ કોંગ્રેસ છોડી ભાજપમાં શામેલ થયા હતા.
ખુદ શંકરસિંહના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા માટે પણ અસમંજસ્નિ સ્થિતિ રહી, તેઓ ગયા પણ ખરા પણ બે-ચાર દિવસમાં સંજોગોવશાત ભાજપ પણ છોડી દઈ, પિતૃગૃહે પરત આવી બેસી ગયા. શ્ંકર્ સિંહે 2017માં પણ પોતાનો મોરચો સક્રિય કર્યો. પણ કારી ના ફાવી.
લોકસભા 2019માં પણ શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસ પુનરાગમન,પછી 2022 ના ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા પોતાના ‘પઘડા’ ખેલવા શરૂ કર્યા. પણ રાહુલ ગાંધી-સોનિયા ગાંધી તરફથી પ્રતિસાદ બિલકુલ ઠંડો રહેતા, બાપુની જાણે ‘મનની મનમાં રહી ગઈ’
ક્ષત્રિય આંદોલનના સદસ્યો થયા સક્રિય
ગુજરાતમાં ધીમે ધીમે સક્રિય થઈ રહ્યું છે ક્ષત્રિય આંદોલન પાછ્ળના ચહેરાઓનું કામ. આ પહેલા સંભવ છે કે ક્ષત્રિય નેતાઓને ભાજપમાં કોઈ મોટા પદથી નવાજી સ્થાનિક સ્વરાજ ચૂંટણીમા આ નેતાઓને સક્રિય કરી, વધુમાં વધુ ગ્રામીણ વિસ્તારોમાં ભાજપ પોતાનું બહેતર પ્રદર્શન કરે તેવો પ્રયાસ રહેશે. ઉપરાંત મંત્રી મંડલનું વિસ્તરણ જો નવરાત્રિ આસપાસ થાય તો તેમાં પણ કોઈ ચોક્કસ રનનીતિ અપનાવાશે.
આ મુદ્દાઓ, સંભવ છે કે, વડાપ્રધાન મોદીના 16-17 તારીખનાં ગુજરાત પ્રવાસ દરમિયાન,સંગઠન, પ્રદેશ ભાજપાધ્યક્ષા સી આર પાટિલ, મુખ્યમંત્રી પટેલ સહિતને માર્ગદર્શન આપશે. ઉપરાંત, સ્થાનિક સ્વરાજ ચૂંટણી માં પણ કેવી રણનીતિ અપનાવવી તે અંગે પણ સખત નિર્દેશ આપશે.
હવે નજર શંકરસિંહ વાઘેલા પર રહેશે. આગામી સમયમાં મોટા ભાગે નવરાત્રિ -દશેરા સુધીમાં ‘ બાપુની શમશિર,અને તેમનો તોખાર’ કોઈ નવી હણ-હણાટીથી ગુજરાતની રાજનીતિ ગજવશે એ વાત નક્કી છે.