કલેક્ટર-પોલીસ કમિશનર ભગવાનની જેમ વર્તે છે, પોલીસ સામે ફરિયાદ કરવા હેલ્પલાઈન જાહેર કરોઃ ગુજરાત હાઈ કોર્ટ | મુંબઈ સમાચાર

કલેક્ટર-પોલીસ કમિશનર ભગવાનની જેમ વર્તે છે, પોલીસ સામે ફરિયાદ કરવા હેલ્પલાઈન જાહેર કરોઃ ગુજરાત હાઈ કોર્ટ

અમદાવાદઃ લોકોને સ્પષ્ટ રીતે ખબર પડે તેવી રીતે ‘પોલીસ સામે ફરિયાદ’ કરવાનો નંબર જાહેર જગ્યાએ લગાવો. કલેક્ટર અને કમિશનરનું વર્તન ભગવાન અને રાજા જેવું હોય છે ત્યાં કોણ ફરિયાદ કરવા જશે!, એવી ગુજરાત હાઇ કોર્ટના ન્યાયાધીશોએ એક કેસની સુનાવણીમાં આ મહત્વપૂર્ણ ટિપ્પણી કરી હતી.

અમદાવાદમાં થોડા સમય પહેલા ઓગણજ પાસે એરપોર્ટથી ઘરે પરત ફરી રહેલા દંપતીને આંતરીને પોલીસ અને TRB જવાને ધાકધમકી આપીને લૂંટ્યા હતા. જેનો અહેવાલ મીડિયામાં પ્રસારિત થતા ગુજરાત હાઇ કોર્ટે સુઓમોટો (પોતે નોંધ લઈ) સંજ્ઞાન લઇને સુનાવણી હાથ ધરી હતી.

આજે આ કેસની ચીફ જસ્ટીસ સુનિતા અગ્રવાલ અને જજ અનિરુદ્ધ માયીની બેન્ચ સમક્ષ હાથ ધરાયેલી સુનાવણીમાં ન્યાયાધીશોએ જણાવ્યું હતું કે જાહેરમાં લોકોને સ્પષ્ટ ખ્યાલ આવે તે રીતે પોલીસ સામે ફરિયાદ કરવાની હેલ્પલાઇનનો નંબર દર્શાવતા બેનરો લગાવો.

ACB હેલ્પલાઇન 1064ને પોલીસ અત્યાચાર સામે ફરિયાદ કરવા સાથે જોડો. આથી લોકોને સમજાય કે ફરિયાદ ક્યાં કરવાની છે. કોર્ટે સરકારને ટકોર કરી હતી કે, તમે પોલીસ સામે ફરિયાદ માટે બધે 100, 112ના જ નંબર પ્રદર્શિત કર્યા છે, 1064 નહિ, તમે ડરો છો.

કોર્ટે કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ પોલીસ સામે ફરિયાદ માટે રાજ્ય અને જિલ્લા સ્તરે સેલની રચના થવી જોઈએ. લોકો શું ફરિયાદ કરવા સરકારી ઓફિસોની બહાર ઊભા રહેશે? કોણ તેમને પ્રવેશ આપશે? કલેક્ટર અને કમિશનર તો ભગવાનની જેમ વર્તે છે! તેઓ રાજા હોય તેવું તેમનું વર્તન હોય છે.

કોર્ટ બધું જાણે છે, કોર્ટ પાસે વધુ બોલાવો નહિ, ફરિયાદ સેલના નંબર આપો અને બેનરોમાં સ્પષ્ટ રીતે લોકો સમજે તેમ લખો, તેવું સરકારની ઝાટકણી કાઢતા કોર્ટે જણાવ્યું હતું. હવે આ કેસમાં વધુ સુનાવણી 8 ડિસેમ્બરે નિર્ધારિત કરાઈ છે.

Back to top button