પ્રોજેક્ટ દેવીઃ ડાકણ પ્રથા દૂર કરવા ડાંગ પોલીસનો અનોખો પ્રયાસ
જે દેશમાં નારીને પૂજવાની પરંપરા હોય અને જે દેશમાં નારી બંધારણના સર્વોચ્ચ પદે બેઠેલી હોય ત્યાં ડાકણપ્રથા આજના સમયમાં પણ અસ્તિતવમાં હોય તે ખેદજનક જ કહી શકાય. ગુજરાતમાં આવેલો ડાંગ જિલ્લો આમ તો પ્રાકૃતિક સૌદર્યથી ભરપૂર છે, પરંતુ અહીં શિક્ષણનું પ્રમાણ ઓછું છે અને તેટલે હજુ ઘણી ગેરમાન્યતાઓ છે. આવી માન્યતાઓમાંની એક છે ડાકણ પ્રથા. અમુક મહિલાઓને ડાકણ કરાર આપી દેવામાં આવે છે અને પછી તેમનો બહિષ્કાર થાય છે અને તેમના પર અત્યાચાર ગુજારવામાં આવે છે. આ ડાકણપ્રથા સામે ઝઝૂમવા ડાંગ પોલીસે પ્રોજેક્ટ દેવી અમલમાં મૂક્યો છે જેનું પરિણામ મળી રહ્યું છે.
ડાંગ જેવા દુર્ગમ વિસ્તારમાં ગ્રામીણ પ્રજાજનોમાં પ્રવર્તતી ડાકણ પ્રથા જેવી કુપ્રથા સામે, બ્યુગલ ફૂંકતા ડાંગ પોલીસે ક્રૂર અંધશ્રદ્ધાને કારણે ત્રસ્ત મહિલાઓને મુક્ત કરવા સાથે જનતાને જાગૃત કરવા માટે ‘પ્રોજેકટ દેવી’ અમલમાં મુક્યો છે. આ માટે વિશેષ માર્ગદર્શન સાથે શી ટીમ તૈયાર કરવામા આવે છે.
આ શી ટીમની મદદથી અહીં આ પ્રથાનો ભોગ બનેલી લગભગ 50થી વધારે વયોવૃદ્ધ મહિલાઓને ડાકણપ્રથામાંથી મુક્ત કરવામાં આવી છે. તેમાં મોટા ભાગની મહિલાઓને તેમના પરિવાર સાથે ફરી રહેવા મળ્યું છે, તો અન્યોની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમના ઘર પરિવાર અને સમાજમાં તેમનું પુનઃસ્થાપન કરાવ્યું છે. આ મહિલાઓની ડાંગ પોલીસની ‘શી ટિમ’ દ્વારા નિયમિતપણે મુલાકાત લઈ, તેમના ખબરઅંતર પૂછવા સાથે, ગ્રામજનોને પણ સતત જાગૃત કરવામાં આવી રહ્યા છે.
તો જે મહિલાઓ આ કુપ્રથામાંથી બહાર નીકળી છે તેઓ પોલીસનો આભાર માની રહી છે. પોલીસ દરેક વખતે દંડો ઉગામે તે જરૂરી નથી, સમજાવટથી, જનજાગૃત્તિથી પણ કામ થઈ શકે છે.