લો-ટેન્શન કેટેગરીના જોડાણ માટે વીજભારની મર્યાદા 150 કિલો વોટ કરાઈ: ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈ
ગુજરાત સરકારે નાના ઉદ્યોગકારો માટે કરેલા અતિમહત્વપૂર્ણ નિર્ણયની માહિતી આપતા ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, રાજ્યની વિવિધ ઔદ્યોગિક સંસ્થાઓ અને સંગઠનોએ કરેલી વિવિધ રજૂઆતોને રાજ્ય સરકારે હકારાત્મક પ્રતિભાવ આપીને હિતલક્ષી નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત વીજ નિયમન આયોગ દ્વારા ‘વીજ સપ્લાય કોડ-૨૦૧૫’માં જરૂરી ફેરફાર કરવામાં આવ્યા છે.
વધુ વિગતો આપતા તેમણે ઉમેર્યું હતું કે, અગાઉ લો-ટેન્શન કેટેગરીના જોડાણ માટે વીજભારની મર્યાદા 100 KW હતી, જે હવે વધારીને ૧૫૦ KW કરવામાં આવી છે. આ નિર્ણયથી હવે 150 KW સુધીના વીજભારનું જોડાણ મેળવવા ઈચ્છતા ગ્રાહકો, લો-ટેન્શન સપ્લાયની પસંદગી કરી શકશે. રાજ્ય સરકારના આ મહત્વપૂર્ણ નિર્ણયથી ઔદ્યોગિક ઉત્પાદનમાં વધારો થશે, જે આર્થિક વૃદ્ધિ અને નવી રોજગારીનું સર્જન કરશે. સાથે જ, EV ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસને પણ ટેકો મળશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યની વિવિધ ઔદ્યોગિક સંસ્થાઓ અને સંગઠનો દ્વારા વધી રહેલી વીજ માંગને સમાવવા, વીજ સંસાધનોને સ્થાપવા તેમજ લો-ટેન્શન લાઈન અને હાઈ-ટેન્શન લાઈન જોડાણના વીજભારની મહત્તમ મર્યાદા વધારવા જેવી વિવિધ રજૂઆતો રાજ્ય સરકાર સમક્ષ કરવામાં આવી હતી. જેનો રાજ્ય સરકારે હકારાત્મક પ્રતિભાવ આપી આ મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે.