Politics: ગુજરાતમાં એક પક્ષમાં નહીં, એક પરિવારમાં પણ ચૂંટણીની ટિકિટ માટે ખેંચતાણ

ભરૂચઃ લોકસભાની ચૂંટણી પહેલા જ ગુજરાત કૉંગ્રેસમાં ભંગાણ શરૂ થઈ ગયું છે. કૉંગ્રેસના દિગ્ગજ નેતાઓ પક્ષ છોડી ભગવો ધારણ કરી રહ્યા છે ત્યારે પક્ષમાં એક જ મોકણ નથી, પરંતુ જાતજાતની પરેશાનીઓ ઊભી થઈ રહી છે. લગભગ છએક મહિનાથી ગુજરાતની ભરૂચ બેઠક કૉંગ્રેસ માટે માથાનો દુઃખાવો સાબિત થઈ છે.
અહીં આમ આદમી પાર્ટીએ દાવો કર્યો છે ત્યારે કૉંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલની પુત્રી મુમતઝે પણ અહીંથી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આ ઓછું હોય તેમ પટેલના પુત્ર ફૈઝલે પણ અહીં દાવેદારી નોંધાવી છે. આમ બે પક્ષ વચ્ચેની ટિકિટની જંગ પછી હવે એક જ પરિવારના બે સભ્ય વચ્ચે પણ ભરૂચ બેઠક માટે જંગ છેડાયો છે.
હકીકતમાં ભરૂચમાં લાગેલા એક બેનરથી રાજકારણ ગરમાયું છે. અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલના એક બેનરે ચર્ચા જગાડી છે. ભરૂચના અંકલેશ્વર વાલીયા ચોકડી ખાતે ફૈઝલ પટેલની તસ્વીર સાથે “હું તો લડીશ” ના નારા સાથે બેનર લાગતા લોકસભાની ચૂંટણી પૂર્વે ભરૂચના રાજકરણમાં ચર્ચાનો વિષય બન્યો છે.
હજી થોડા સમય પહેલા જ અહમદ પટેલના પુત્રી મુમતાઝે પણ કોંગ્રેસમાંથી લડવાની જાહેરાત કરી હતી. ત્યારે હવે ફૈઝલ પટેલના બેનરથી પરિવારમાં બે ભાગ પડ્યા હોય તેવું લાગે છે. બીજી તરફ ચૈતર વસાવા માટે આમ આદમી પાર્ટી રાજ્યની ફક્ત આ એક જ બેઠક માંગી રહી છે.
અહીંના ડેડિયાપાડાના વિધાનસભ્ય ચૈતર વસાવા આદિવાસી વિસ્તારોમાં ભારે લોકચાહના ધરાવે છે. હાલમાં તેઓ જેલમાં છે ત્યારે તેમના સમર્થન માટે આવેલા આપના સંયોજક અરવિંદ કેજરીવાલે વસાવાને અહીંના લોકસભાના ઉમેદવાર ઘોષિત કરી દીધા છે. થોડા દિવસો પહેલા દિલ્હી ખાતે આપ અને કૉંગ્રેસની બેઠકમાં આપે કૉંગ્રેસ પાસેથી ગુજરાતની એક માત્ર લોકસભા બેઠક પર દાવેદારી માગી છે. આ બેઠક ભરૂચની છે.
બીજી બાજુ કૉંગ્રેસની વાત કરીએ તો છેલ્લી બે ટર્મથી અહીંની 26 લોકસભા બેઠકમાંથી એક બેઠક પર પણ પક્ષ વિજયી થઈ શક્યો નથી. પક્ષે કેન્દ્રીય સ્તરે ઈન્ડિયા ગઠબંધન કર્યું છે, જેમાં અન્ય 25 જેટલા રાજકીય પક્ષ છે. આ બધા વચ્ચે બેઠક વહેંચણી મામલે થોડી ખટપટ્ટ ચાલી રહી છે, તે સમજ્યા પણ એક જ પક્ષના એક જ પરિવારમાં એક બેઠકને લઈને ખેંચતાણ હોય તેવું જવલ્લે જોવા મળતું હોય છે.