રાજકોટ અગ્નિકાંડ: પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલની કરાઈ બદલી
રાજકોટઃ રાજકોટ અગ્નિકાંડના ઘેરા પ્રત્યાઘાતો સમગ્ર રાજ્યમાં પડ્યા છે. શહેરમાં આવેલા ટીઆરપી ગેમઝોનમાં શનિવારે થયેલી આ ગોઝારી દુર્ઘટનામાં કુલ 32 લોકોના મોત થયા હતા. જો કે ઘટના બાદ સરકાર સફાળી જાગી છે, રાજ્ય સરકારે આજે રાજકોટના પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને શહેર મ્યુનિશિપલ કમિશનર આનંદ પટેલની બદલી કરી દીધી છે.
હવે રાજકોટના નવા પોલીસ કમિશનર તરીકે બ્રિજેશ કુમાર ઝાની નિમણૂંક કરવામાં આવી છે. જ્યારે નવા મનપા કમિશનર તરીકે ડીપી દેસાઈની નિમણૂંક કરવામાં આવી છે. હવે રાજકોટ પોલીસ કમિશનરની જવાબદારી બ્રિજેશ કુમાર ઝાને સોંપવામાં આવી છે.
આ પણ વાંચો: ગુજરાત હાઇકોર્ટે Rajkot ગેમ ઝોન અગ્નિકાંડને માનવ સર્જિત દુર્ઘટના ગણાવી, સોમવારે સુનાવણી
રાજ્ય સરકારના આદેશમાં રાજકોટના પોલીસ કમિશનર રાજુ ભાર્ગવની બદલી કરવામાં આવી છે પરંતુ તેને નવું પોસ્ટિંગ આપવામાં આવ્યું નથી. આ સિવાય રાજકોટના એડમિશનલ કમિશનર ઓફ પોલીસ વિધિ ચૌધરીની પણ બદલી કરવામાં આવી છે, વિધિ ચૌધરીને નવું પોસ્ટિંગ આપવામાં આવ્યું નથી. આ ઉપરાંત સુધીરકુમાર જે દેસાઈ, ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ ઝોન-2 રાજકોટની પણ બદલી કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે આ અગ્નિકાંડ બાદ રાજ્ય સરકારે 7 અધિકારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો છે. પોલીસ વિભાગના અધિકારીઓ પણ તેમાં છે. આ ઘટનાની તપાસ માટે સરકારે SITની રચના કરી છે. SIT 72 કલાકમાં પોતાનો પહેલો રિપોર્ટ આપશે. રાજકોટ પોલીસે દુર્ઘટના માટે જવાબદાર છ લોકો સામે ગુનો નોંધ્યો છે અને પોલીસે માત્ર ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.