PM Modi in Gujarat: વડા પ્રધાન મોદી 22મી તારીખે ગુજરાતમાં બે નવા પરમાણુ રીએક્ટરનું ઉદ્ઘાટન કરશે

સુરત: વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમની ગુજરાત મુલાકાત દરમિયાન 22 ફેબ્રુઆરીના રોજ તાપી જિલ્લાના કાકરાપાર પરમાણુ પાવર પ્લાન્ટ(Kakrapar Nuclear Power Plant) ખાતે બે નવા સ્વદેશી રિએક્ટર રાષ્ટ્રને સમર્પિત કરશે. તેઓ નવસારી ખાતે પીએમ મિત્ર પાર્ક(PM MItra Park)નો શિલાન્યાસ પણ કરશે. આ ઉપરાંત વર્ચ્યુઅલ રીતે તેઓ સુરત મહાનગરપાલિકાની વિવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અથવા શિલાન્યાસ કરશે.
કાકરાપાર ન્યુક્લિયર પાવર પ્લાન્ટ ખાતેના બે નવા રિએક્ટર યુનિટ 3 અને યુનિટ 4 નું ઉદ્ઘાટન કરવામાં આવશે. દરેક રિએક્ટરની ક્ષમતા 700 મેગાવોટ (MW) છે. બે નવા રિએક્ટર પૈકી એક પહેલેથી જ કાર્યરત છે જ્યારે બીજું આગામી દિવસોમાં ટૂંક સમયમાં શરૂ થશે. કાકરાપાર પરમાણુ પાવર પ્લાન્ટમાં પહેલાથી જ બે ઓપરેશનલ રિએક્ટર છે – યુનિટ 1 અને 2. જેમાંથી દરેક 220 મેગાવોટ છે.
એક અધિકારીએ જણાવ્યું હતું કે “આ પ્લાન્ટમાં વીજ ઉત્પાદન માટે યુરેનિયમનો ઉપયોગ ફયુલ તરીકે થાય છે. યુનિટ 3 અને 4 સો ટકા સ્વદેશી છે. એકવાર બંને પાવર યુનિટ કાર્યરત થઈ જાય ત્યારે પાવર પ્લાન્ટની કુલ વીજ ઉત્પાદન ક્ષમતા વધીને 1,440 મેગાવોટ થઈ જશે.”
ત્યાર બાદ નવસારીના વાંસી બોરસી ગામમાં વડા પ્રધાન મોડી પ્રાઈમ મીનીસ્ટર મેગા ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ રિજિયન્સ અને એપેરલ (Mitra) પાર્કનો શિલાન્યાસ કરશે, જેના માટે વહીવટીતંત્ર અને ભાજપના નેતાઓ દ્વારા એક લાખથી વધુ લોકોને એકત્ર કરવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે આ પાર્ક દ્વારા રાજ્ય સરકારને આશરે રૂ. 10,000 કરોડનું રોકાણ મળવાની અને લગભગ બેથી ત્રણ લાખ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકો ઊભી થવાની અપેક્ષા છે. પીએમ મિત્ર પાર્ક સુરત એરપોર્ટથી લગભગ 55 કિલોમીટર દૂર છે.
નવસારીથી, વડા પ્રધાન મોદી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના રૂ. 1,130 કરોડના વિકાસ પ્રોજેક્ટનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન પણ કરશે. ઉપરંત સુરત પાસેના ઉંભેર ગામમાં રૂ. 345 કરોડના ખર્ચે બનવવામાં આવનાર સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટ સહિત રૂ. 2,112 કરોડના વિવિધ પ્રોજેક્ટનું ખાત મૂર્હત કરશે.