આપણું ગુજરાતટોપ ન્યૂઝ

PM આવાસ યોજના: ગુજરાત સરકાર આપશે ઘર બનાવવા ₹ 50,000 વધારાની સહાય

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદઃ ગ્રામીણ વિસ્તારના ઘરવિહોણા પરિવારોનું પોતાના ઘરના ઘરનું સ્વપ્ન સાકાર કરવા વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ અમલમાં મૂકવામાં આવી હતી. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આ આવાસના નિર્માણ માટે અપાતી સહાયમાં વધારો કરવાનો જનહિતલક્ષી નિર્ણય કરવામાં આવ્યો છે.

આ નિર્ણય અંગે વિગતવાર માહિતી આપતા ગ્રામ વિકાસ પ્રધાન રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ હેઠળ ગ્રામ્ય વિસ્તારમાં “સામાજિક-આર્થિક મોજણી અભ્યાસ-૨૦૧૧” તેમજ “આવાસ પ્લસ સર્વે” મુજબ પાત્રતા ધરાવતા રાજ્યના ઘરવિહોણા તેમ જ કાચા આવાસ ધરાવતા પરિવારોને આવરી લેવાનો રાજ્ય સરકારનો દ્રઢ સંકલ્પ છે.

પ્રધાને ઉમેર્યું હતું કે, આ યોજના હેઠળ અત્યાર સુધી લાભાર્થીઓને ત્રણ તબક્કામાં કુલ રૂ. ૧,૨૦,૦૦૦ની સહાય ચૂકવવામાં આવતી હતી. ગ્રામીણ વિસ્તારોમાં મકાન બાંધકામ માટેના વપરાતા રેતી, કપચી, સિમેન્ટ, સ્ટીલ જેવા માલસામાનની વધતી કિંમતો ઉપરાંત ભૌગોલિક અને અંતરિયાળ વિસ્તારોના કારણે થતા પરિવહન ખર્ચને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે લાભાર્થીઓને પડતી મુશ્કેલીઓ દૂર કરવા આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો હતો. જે અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણના લાભાર્થીઓને રાજ્ય સરકાર તરફથી વધારાની રૂ. ૫૦,૦૦૦ સહાય આપવામાં આવશે.

આ પણ વાંચો: આવાસ યોજનાના લાભાર્થીઓને ગુજરાત સરકારની મોટી ભેટ: ટેક્સમાં રાહત!

વિકસિત ગુજરાતના સંકલ્પને સાકાર કરી ગામડાઓને સમૃદ્ધ અને મજબૂત બનાવવાના ઉમદા આશય સાથે વર્ષ ૨૦૨૫-૨૬ના બજેટમાં આ વધારાની સહાય ચૂકવવા માટે કુલ ૧,૧૦,૦૦૦ લાભાર્થીઓના લક્ષ્યાંક સાથે રૂ. ૫૫૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે, તેમ ગ્રામ વિકાસ પ્રધાને ઉમેર્યું હતું.

ગ્રામ વિકાસ પ્રધાને ઉમેર્યું હતું કે, હવેથી લાભાર્થીઓને આવાસ મંજૂરી સમયે પ્રથમ હપ્તા પેટે રૂ. ૩૦,૦૦૦, પ્લીન્થ લેવલ બીજા હપ્તા પેટે રૂ. ૮૦,૦૦૦, રૂફ-કાસ્ટ લેવલ ત્રીજા હપ્તા પેટે રૂ. ૫૦,૦૦૦ તેમ જ આવાસ પૂર્ણ થયેથી ચોથા હપ્તા પેટે રૂ. ૧૦,૦૦૦ મળી કુલ રૂ. ૧,૭૦,૦૦૦ની સહાય આપવામાં આવશે. જેમાંથી રૂ. ૯૮,૦૦૦ની સહાય રાજ્ય સરકાર તેમજ રૂ. ૭૨,૦૦૦ સહાય કેન્દ્ર સરકારના ભંડોળમાંથી ચૂકવવામાં આવશે.

આ વધારાની સહાયથી ગ્રામીણ વિસ્તારના લાભાર્થીઓને પ્લીન્થ લેવલથી લઈને મકાન પૂર્ણ કરવા સુધીની કામગીરી દરમિયાન નાણાકીય મુશ્કેલીઓનો સામનો નહીં કરવો પડે અને આવાસ બાંધકામ ઝડપથી પૂર્ણ થશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે આ યોજના હેઠળ ૧૧,૬૦૬ લાભાર્થીઓને રૂ. ૫૮ કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button