રાજ્યમાં ચામડી દઝાડતી ગરમીથી લોકો ત્રાહિમામ, આ શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર

અમદાવાદ: રાજ્યમાં ભીષણ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે, આકાશમાંથી સુર્યદેવ અગન જ્વાળા વરસાવી રહ્યા છે. ગુજરાતના વિવિધ શહેરોમાં બપોરના 12થી 4 વાગ્યા સુધી માર્ગો સુમસામ જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી બાદ આજથી રાજ્યભરમાં મહત્તમ તાપમાનનો પારો ઊંચકાયો છે. રાજ્યના અનેક શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. રાજયમાં કમોસમી વરસાદ બાદ છેલ્લા બે દિવસથી હીટવેવની અસર જોવા મળી રહી છે. તાપમાનનો પારો સતત વધી રહ્યો છે, અનેક શહેરો ગરમીની ભઠ્ઠીમાં શેકાઈ રહ્યા છે.
અમદાવાદ, સુરેન્દ્રનગર, ડિસા, રાજકોટમાં સૌથી વધારે તાપમાન જોવા મળી રહ્યું છે. સુરેન્દ્રનગર શહેરમાં પણ તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. જેના કારણે લોકો ઘરની બહાર પણ નિકળી શકતા નથી. હવામાન વિભાગની આગાહી મુજબ રાજયમાં હજુ પણ ગરમીનો પારો ઉંચકાશે. પોરબંદર, ગીરસોમનાથ, ભાવનગર અને કચ્છમાં હીટવેવની આગાહી કરાઈ છે. અગામી 5 દિવસ ગરમીથી કોઈ રાહત નહી મળે. બાળકો અને વૃધ્ધો હીટસ્ટ્રોકથી બચે તે માટે પણ અપીલ કરાઈ છે.
આ પણ વાંચો: સવારમાં કરી આવો મતદાન, બપોરે ગરમીનો પારો એટલો ઉપર ચડશે કે…
રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 44.7 ડિગ્રી, તાપમાન નોંધાયું છે. જ્યારે અમદાવાદમાં 44.2 ડિગ્રી, ડીસામાં 44.4 ડિગ્રી, ગાંધીનગરમાં 44 ડિગ્રી, વડોદરામાં 42.2 ડિગ્રી, સુરતમાં 35.8 ડિગ્રી, ભુજમાં 43.8 ડિગ્રી, નલિયામાં 38.5 ડિગ્રી, અમરેલીમાં 43.2 ડિગ્રી, ભાવનગરમાં 39.7 ડિગ્રી, દેવભૂમિ દ્વારકામાં 33.6 ડિગ્રી, પોરબંદરમાં 36.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ગુજરાતમાં હજું 7 દિવસ સુધી ગરમી યથાવત્ રહેશે અને એક-બે ડિગ્રી વધવાની સંભાવના છે. આજે અમદાવાદ, રાજકોટ, ડીસામાં 44 ડિગ્રી તપામાન નોંધાયું તો ભાવનગર, સુરેન્દ્રનગર, પોરબંદર, જુનાગઢ, કચ્છ અને વલસાડમાં 5 દિવસ યલો એલર્ટ અને અમદાવાદમાં આગામી 48 કલાક માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.