અમદાવાદ જિલ્લાના આ ગામના લોકોએ કર્યો સામુહિક રીતે મતદાનનો બહિષ્કાર, જાણો કેમ?

અમદાવાદ: દેશમાં આજે ગુજરાતની 25 લોકસભા સીટો સહિત 12 રાજ્યોની 93 લોકસભા બેઠકો પર ત્રીજા તબક્કાનું મતદાન યોજાયુ હતુ. જેમાં 1331 ઉમેદવારોનું ભવિષ્ય EVMમાં કેદ થયું છે. ગુજરાતની વાત કરીએ તો, રાજ્યની 25 લોકસભા બેઠકો પર મતદાન યોજાયું હતું અને સાથે જ 5 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ હતી.
જો કે કેટલાક સ્થળોએ સામુહિક રીતે મતદાનનો બહિષ્કાર થતા ચૂંટણી અધિકારીઓને આખો દિવસ બેસી રહેવું પડ્યું હતું, જેમ કે અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના રતનપર ગામે અઢી વાગ્યા સુધીમાં માત્ર એક મત પડ્યો હતો. ગામના લોકોએ સામુહિક રીતે મતદાનનો બહિષ્કાર કર્યો છે.
લોકસભા ચૂંટણી માટેના મતદાન વચ્ચે ધંધુકા તાલુકાના રતનપર ગામમાં સામુહિક રીતે મતદાનનો બહિષ્કાર કર્યો હતો. આ ગામના 318 મતમાંથી માત્ર એક મત પડ્યો હતો. ગ્રામજનોએ ગામની શાળા ફરી ચાલુ કરવાની માગ કરી રહ્યા છે.
રતનપરના ગ્રામજનોને સમજાવવા મામલતદાર ખુદ ગામમાં પહોંચ્યા હતા અને લોકોને મત આપવા સમજાવ્યા હતા. તેમણે ગ્રામજનોના પ્રશ્ને ચૂંટણી બાદ જરૂરી સહકારનું આશ્વાસન આપ્યું હતું. બાદમાં ગ્રામજનોએ અડધો કલાકમાં ચર્ચા બેઠક કરી જવાબ આપવા જણાવ્યું હતું, જો કે તેમ છતાં ગ્રામજનો માન્યા નહોતા.
રતનપર ગામમાં રહેલી શાળા, બાજુના ગામમાં સ્થળાંતર કરવામાં આવી છે, તેથી ગામના વિદ્યાર્થીઓને ભારે હાલાકી ભોગગવી પડતી હોઈ ગામ લોકો આ જ ગામમાં ફરી શાળા શરૂ કરવાની માગ કરી છે.
આ પ્રમાણે રાજ્યના અન્ય ગામોમાં પણ ગામલોકોએ સામુહિક રીતે મતદાન કરવાનું ટાળ્યું હતું. જેમ કે ભરૂચના કેસર, સુરતના સણધરા તેમજ બનાસકાંઠાના ભાખરી ગામના ગ્રામજનોએ મતદાનનો સંપૂર્ણ બહિષ્કાર કર્યો હોવાની જાણકારી મળી છે. જ્યારે માંગરોળના ભાટગામ તથા બાલાસિનોરના બોડોલી અને પુંજરા ગામે આંશિક બહિષ્કારની જાણકારી મળી છે.