વિસ્ફોટકોના સ્ટોરેજ સામે સાબરકાંઠાના આ બે ગામના લોકોએ હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા
સાબરકાંઠાના ખેડબ્રહ્મા તાલુકાના ગોતા અને લીમખેડા ગામ નજીક બની રહેલા વિસ્ફોટકોના સ્ટોરેજનો મામલો ગરમાયો છે. આ મામલે ગોતા અને લીમખેડાના 126 લોકોએ ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરી છે. એડવોકેટ જે.વી. જાપી અને અંકિત શાહ મારફતે કરાયેલી આ અરજી જજ ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગ્રવાલ અને જજ અનિરુદ્ધ માયીની બેન્ચ સમક્ષ રજૂ થઈ હતી.
આ જાહેર હિતની અરજીમાં અરજદારોએ જણાવ્યું હતું કે, તેમના ખેતરોની સીમની નજીક એક હાઈ એક્સપ્લોઝિવ સ્ટોરેજ બની રહ્યું છે, જેની NOC અપાય ગઈ છે, સાઈટ પ્લાન પણ મંજૂર થઈ ચૂક્યો છે અને બાંધકામની મંજૂરી પણ મળી ચૂકી છે તેથી તેના પર રોક લગાવવામાં આવે.
આપણ વાંચો: Arvind Kejriwal: કેજરીવાલ જેલમાંથી સરકાર ચલાવી શકશે? દિલ્હી હાઈકોર્ટ આપ્યો આ આદેશ
અરજદારોના જણાવ્યા મુજબ હવે આ કામ માટે ડિરેક્ટર ઓફ એક્સપ્લોઝીવ, નાગપુરની મંજૂરી માગવામાં આવી છે. આ ગોડાઉન અરજદારોના ખેતરોને અડીને બની રહ્યું છે જ્યાં તેઓ, તેમનાં કુટુંબીજનો અને ખેત મજૂરો કામ કરતા હોય છે. જેથી માનવ સલામતીની દૃષ્ટિએ તે અયોગ્ય છે. નિયમો મુજબ રહેણાંક વિસ્તારથી આ ગોડાઉન દૂર હોવું જોઈએ.
આ મામલે હાઈકોર્ટે સ્ટોરેજ બનાવવા કોઈ નિયમોનું ઉલ્લંઘન કરાયું છે કે કેમ તેવું અરજદારને પૂછ્યું હતું. જોકે, તે અંગે રેકોર્ડ ઉપર કોઈ માહિતી ન મૂકાતા કોર્ટે અરજદારને તે માહિતી સાથે અરજદારોના 7/12ના ઉતારા પણ માગ્યા હતા. જેથી અરજદાર ખરેખર અસરગ્રસ્તો છે કે નહીં તે જાણી શકાય. આ મુદ્દે વધુ સુનાવણી 12 એપ્રિલના રોજ હાથ ધરાશે.