પરબ વાવડી ખાતે આજે ભવ્ય લોકમેળો: લાખો શ્રદ્ધાળુઓ ઉમટશે, અમર મા-દેવીદાસ બાપુની સેવાનો સ્મૃતિ ઉત્સવ...
આપણું ગુજરાત

પરબ વાવડી ખાતે આજે ભવ્ય લોકમેળો: લાખો શ્રદ્ધાળુઓ ઉમટશે, અમર મા-દેવીદાસ બાપુની સેવાનો સ્મૃતિ ઉત્સવ…

ભેંસાણ: અષાઢી બીજનું સમગ્ર ખૂબ જ મોટું ધાર્મિક મહત્વ રહેલું છે. સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ યાત્રાધામ એવા પરબ વાવડી ખાતે અષાઢી બીજના દિવસે ખૂબ જ મોટો લોક મેળો યોજાય છે. લોકવાયકા અનુસાર અમર માં અને દેવીદાસ બાપુએ અષાઢી બીજના દિવસે જ પરબ ખાતે જીવતા સમાધિ લીધી હતી અને આથી જ અષાઢી બીજના દિવસે અહીં લોક મેળો ભરાય છે. જેમાં સમગ્ર સૌરાષ્ટ્ર ઉપરાંત દૂરદૂરથી લાખો શ્રદ્ધાળુઓ મેળામાં ઉમટે છે, અમર મા અને દેવીદાસ બાપુએ જે સેવાની દિવ્ય પરંપરા ચલાવી હતી તેમની યાદમાં અહીં અષાઢી બીજના દિવસે પૂજા, યજ્ઞ અને ધ્વજા રોહણ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાય છે.

પરબ ધામ એટલે દેવીદાસ બાપુ અને અમર માની સમાધિનું સ્થાન
ભેસાણ નજીકનું પરબ ધામ એટલે સૌરાષ્ટ્રના અમર સંત એવા દેવીદાસ બાપુ અને અમર માની સમાધિનું સ્થાન. તે ઉપરાંત શાર્દૂલ ભગત, શેલાણી સાંઈ, જશા પીર, વરદાન પીર, કરમણ પીર, દાનેવ પીર, અમરી મા તેમજ રૂડા પીરની પણ સમાધિઓ છે. વર્ષો પહેલા પરબની જગ્યા ખાતે દેવીદાસ બાપુએ તે સમયના અસાધ્ય ગણાતા રક્તપિતના રોગના દર્દીઓની સેવા કરી હતી. આ સેવા યજ્ઞમાં અમર માએ પણ આહુતિઓ આપી હતી. કોઈપણ મૂડી કે મિલકત વગર જ માત્ર દર્દીઓની સેવાને જ પ્રભુ સેવા ગણી આ સંત બેલડીએ અનેક સંઘર્ષો વેઠ્યા હતા. અમર માં અને દેવીદાસ બાપુ બાર બાર ગાઉંનો પંથ કાપીને ટુકડો ભેગો કરતાં અને દર્દીઓ તેમજ અભ્યાગતોની સેવા કરતાં હતા.

આજે યોજાય છે લોક મેળો
અષાઢી બીજના દિવસે પ્રાતઃ સવારે નિશાન પૂજન થાય છે. સંતોની સમાધિઓનું પૂજન કરવામાં આવે છે અને તેની સાથે જ પરંપરાગત લોક મેળાની શરૂઆત થાય છે. આ માટે મહિનાઓ પહેલા જ તૈયારીઓનો પ્રારંભ કરી દેવામાં આવે છે, જેમાં પરબની જગ્યાનો સેવક સમુદાય હોંશે હોંશે સેવા આપે છે. આશરે દસથી 20 હજાર જેટલા સ્વયંસેવકો દિવસ રાત કામ કરે છે અને વાહનો મારફતે ભોજન કક્ષમાં ભોજન લાવવામાં આવે છે. યજ્ઞશાળામાં યજ્ઞ થાય છે તેમજ રાતે ભજન ડાયરાનો પ્રોગ્રામ થાય છે. અષાઢી બીજના દિવસે સંતોની સમાધિએ માથું ટેકવવા માટે લાખો શ્રદ્ધાળુઓ પરબ આવે છે.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.
Back to top button