પાર-તાપી-નર્મદા રિવરલિંક પ્રોજેક્ટ મુદ્દે રાજકારણ ગરમાયું: ભાજપ-કોંગ્રેસ આમને સામને…

અમદાવાદઃ સરકારના મહત્વાકાંક્ષી પાર-તાપી-નર્મદા રિવરલિંક પ્રોજેક્ટ મુદ્દે છેલ્લા કેટલાક દિવસોથી રાજકીય વિવાદ ચાલી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં પાર-તાપી-નર્મદા રિવરલિંક પ્રોજેક્ટ મુદ્દે સીઆર પાટીલે કહ્યું હતું કે, પાર-તાપી-નર્મદા રિવરલિંક પ્રોજેક્ટ અંગે ખુલાસો કરતા સ્પષ્ટ કહ્યું હતું કે, લોકસભામાં આ પ્રોજેક્ટનો ડીપીઆર (ડિટેલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ) રજૂ કરવામાં આવ્યો નથી.
ઉલ્લેખનીય છે કે, થોડા વર્ષો પહેલા નાણાપ્રધાન નિર્મલા સીતારમણે પ્રોજેક્ટની જાહેરાત કરી હતી. પરંતુ આદિવાસીઓની લાગણીને ધ્યાનમાં લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ચર્ચા બાદ આ પ્રોજેક્ટ સ્થગિત કરવામાં આવ્યો હતો.
આ મામલે સી. આર. પાટીલે લોકોને ખોટી વાતોમાં ન ભરમાવવા અપીલ કરી હતી. પાટીલે આરોપ લગાવ્યો હતો કે, કોંગ્રેસ પક્ષ પાસે કોઈ મુદ્દા ન હોવાને કારણે ગુજરાતના ભોળા આદિવાસી લોકોને ગેરમાર્ગે દોરવા સાથે ભ્રમ ફેલાવી રહી છે.

જો કે બીજી તરફ આ સમગ્ર પ્રકરણમાં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે પણ પોતાની તીખી પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે, આ યોજના ન થવાની હોય, તો હવે આદિવાસી સમાજ તમારો વિશ્વાસ કરવાનો નથી, તમારે જો આદિવાસી સમાજનો વિશ્વાસ સંપાદન કરવો હોય, તો આ યોજના હવે પછી કરવામાં આવશે નહીં.
તેવુ લેખિતમાં આપો, નહિં તો લોકસભામાં શ્વેત પત્ર રજુ કરો કે આ યોજના ક્યારેય બને નહીં અને આ વિસ્તારમાં ક્યારેય ડેમ બનશે નહીં. તેમણે ચેતવણી આપી હતી કે, જો શ્વેતપત્ર જાહેર નહીં થાય તો કોંગ્રેસ 14મી ઓગસ્ટથી ધરમપુરમાં આંદોલન શરૂ કરશે.
આ મામલે અનંત પટેલે જણાવ્યું હતું કે, 14મી ઓગસ્ટે ધરમપુરથી વિશાળ રેલી કાઢીને પ્રોજેક્ટનો વિરોધ કરવામાં આવશે. હાલમાં પાર-તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટ મુદ્દે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે શાબ્દિક યુદ્ધ શરૂ થઈ ગયું છે અને આદિવાસી વિસ્તારોમાં આ પ્રોજેક્ટ અંગે અસમંજસની સ્થિતી સર્જાઈ છે.