ગોધરા પંથકમાં 2.7 ની તીવ્રતાનો ભૂકંપ: ગ્રામ્ય વિસ્તારોમાં ફફડાટ, જાનહાનિ ટળી

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદઃ પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના પશ્ચિમ વિસ્તારમાં રવિવારે સવારના સમયે ભૂકંપનો આંચકો અનુભવાતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો. રિક્ટર સ્કેલ પર આ આંચકાની તીવ્રતા 2.7 નોંધાઈ હતી. જોકે સદનસીબે, આંચકો હળવો હોવાથી કોઈ પણ પ્રકારની જાન-માલની નુકસાની થઈ ન હતી.
ગાંધીનગર સ્થિત સિસ્મોલોજીકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (ISR) દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર, ગોધરા તાલુકાના પશ્ચિમ પંથકમાં સવારે 10 વાગ્યે 34 મિનિટ અને 13 સેકન્ડે ભૂકંપનો આંચકો નોંધાયો હતો. આ આંચકાનું કેન્દ્રબિંદુ ગોધરાની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું હતું.
આ પણ વાંચો : કચ્છ સરહદે 4.1ની તીવ્રતાનો ભૂકંપ: ખાવડાથી 55 કિમી દૂર કેન્દ્રબિંદુ નોંધાયું
ગોધરા તાલુકાના પશ્ચિમ વિસ્તારમાં આવેલા પઢીયાર, વેલવડ, કાકણપુર અને રામપુરા સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં લોકોએ આ ધ્રુજારી અનુભવી હતી. આંચકો સામાન્ય હોવા છતાં, અચાનક આવેલી ધ્રુજારીને કારણે લોકોમાં થોડો સમય ડરનો માહોલ જોવા મળ્યો હતો અને લોકો સાવચેતીના ભાગરૂપે ઘરની બહાર દોડી આવ્યા હતા.
ગાંધીનગર સિસ્મોલોજીકલ વિભાગના નિષ્ણાતોના મતે 2.7ની તીવ્રતાનો આંચકો ખૂબ જ હળવો ગણાય છે, જેનાથી કોઈ મોટા નુકસાનની ભીતિ રહેતી નથી. જોકે, તંત્ર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને લોકોને ગભરાવાની જરૂર નથી તેવી અપીલ કરવામાં આવી છે.



