ભરત ચૌધરીના હત્યારાઓને પોલીસે આપ્યો મેથીપાક, લોકોએ ‘ગુજરાત પોલીસ જિંદાબાદ’ના નારા લગાવ્યાં…

પાલનપુર: પાલનપુરમાં 20 ડિસેમ્બરે એક યુવકની હત્યા થઈ હતી હત્યાની આ ઘટનામાં તપાસ કરતા પાલનપુર પોલીસે 10 ટીમ બનાવીને છ આરોપીની ગઇકાલે ધરપકડ કરી હતી. પોલીસે આરોપીઓને ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યાં અને આઠ દિવસના રિમાન્ડ મેળવ્યાં હતાં. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે આ કેસમાં હત્યાનો મુખ્ય આરોપી લાલો માળી સહિત છ આરોપીઓને સાથે રાખીને પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. પોલીસે જાહેરમાં હત્યાના આરોપીઓને મેથીપાક આપ્યો હતો. આ જોઈને સ્થાનિક લોકોએ ગુજરાત પોલીસ જિંદાબાદ અને પાલનપુર પોલીસ જિંદાબાદના નારા લગાવ્યાં હતાં.
લોકોએ ગુજરાત પોલીસ જિંદાબાદના નારા લગાવ્યાં
પોલીસ દ્વારા આરોપીઓને લાકડીઓથી માર મારતા વીડિયો પણ અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વહેલી સવારે પોલીસ છ આરોપીને દોરડાથી બાંધીને પાલનપુરના એરોમાં સર્કલ પર લઈ જવામાં આવ્યાં હતાં. આરોપીઓને જોતાં જ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં હતા. સ્થાનિકોએ આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગણી પણ કરી હતી. એરોમા સર્કલ પર સ્થાનિકોએ ‘આરોપીઓને ફાંસી આપો’, અને ‘ગુજરાત પોલીસ જિંદાબાદ’ જેવા નારા લગાવ્યાં હતા. એક રીતે લોકોએ આ કાર્યવાહી માટે ગુજરાત પોલીસના વખાણ કર્યાં હતાં.
આ છ આરોપીઓની પોલીસે કરી ધરપકડ
કાર્યવાહીની વાત કરવામાં આવે તો, ભરત ચૌધરીની હત્યામાં પોલીસે ભાર્ગવ ઉર્ફે લાલો નિમેશભાઈ મંડોરા (રહે. તુલસીપાર્ક સોસાયટી,પાલનપુર, રિકી નોયલ રોકસ્બ્રો (રહે.પાલનપુર), ભરત ભૂરાજી રાજપૂત (રહે. ટડાવ તા.ઢીમા. જિ.વાવ થરાદ), ભૌતિક જગદીશભાઇ પરમાર (રહે. પરખડી તા.વડગામ), ગણપત સેનજીભાઇ ઠાકોર (રહે.આકેસણ તા.પાલનપુર) અને અનિલ શંકરભાઇ બાવરી (રહે.તારાનગર. પાલનપુર)ની ધરપકડ કરવામાં આવી હતી.
શું હતો સમગ્ર બનાવ?
20 ડિસેમ્બરની સાંજે ગાદલવાડા ગામના નીતિનકુમાર કેશરભાઇ ચૌધરી અને ભરતભાઇ ગણેશભાઇ ચૌધરી અમદાવાદ હાઈવે પર રામદેવ હોટલ પાસે ત્યાં બેઠા હતા. આ દરમિયાન 3થી 4 ગાડીમાં આવેલી 10થી વધુ વ્યક્તિઓએ તલવારો, પાઈપો અને લાકડીઓ વડે તેમના પર અચાનક હુમલો કર્યો હતો. હુમલો કર્યાં બાદ આરોપીઓ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયાં હતાં. આ જીવલેણ હુમલામાં ભરત ચૌધરીનું મોત થયું હતું, જ્યારે નીતિન ચૌધરીની હાલત ગંભીર હોવાથી તે હજી પણ સારવાર હેઠળ છે.



